નોટબંધીનું એક વર્ષઃ કોંગ્રેસ દેશભરમાં હલ્લાબોલ કરશે

નવી દિલ્હી: નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂરું થવા પર કોંગ્રેસ હવે આ મુદ્દાને ઉછાળવા અને વટાવવામાં કોઈ કસર છોડવા માગતી નથી. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને યોજાયેલા કેટલાય કાર્યક્રમોમાં રાહુલ ગાંધીએ જીએસટી અને જીડીપી સાથે નોટબંધીનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. બીજી બાજુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ પક્ષના મહામંત્રીઓ અને રાજ્ય એકમોના વડાઓ સાથે નોટબંધી વિરુદ્ધ દેશભરમાં વિરોધ દેખાવો યોજવા અંગે રોડ મેપ તૈયાર કરશે. આ માટે રાહુલ ગાંધી ૩૦ ઓક્ટોબરે એક બેઠક પણ યોજશે.

નોટબંધીના કારણે પ્રજાને પડેલી મુશ્કેલીને મુદ્દો બનાવીને કોંગ્રેસ દેશભરમાં દેખાવો કરીને પોતાના તાકાત બતાવવા માગે છે. કોંગ્રેસનો પ્લાન દેશભરમાં ૮ નવેમ્બરે નોટબંધી વિરુદ્ધ જોરદાર વિરોધ દેખાવાનો છે. કેન્દ્ર સરકારને નોટબંધીના મુદ્દે ઘેરવાની તૈયારી કરી રહેલ કોંગ્રેસ મોદી મેડ ડિઝાસ્ટર (એમએમડી)ના નારા સાથે આ પ્રદર્શનમાં ઊતરવાની તૈયારી કરી રહી છે તેની શરૂઆત રાહુલ ગાંધીએ ટ્વિક કરીને કરી દીધી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લોકોના પગારો સ્થિર થઈ ગયા છે અને બીજી બાજુ બેન્ક છેલ્લાં ૬૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ઓછું કરજ આપવાની તાકાત ધરાવે છે. છેલ્લાં ૧૦૦ વર્ષમાં અસમાનતા સર્વાધિક સ્તરે છે. મોદીજીના શબ્દોમાં કહીએ તો આ મોદી મેડ ડિઝાસ્ટર છે.

You might also like