ભેળસેળમાં પકડાયેલા એક હજાર જેટલા વેપારીઓ કોર્ટના સમન્સને પણ ગાંઠતા નથી

અમદાવાદ: અમદાવાદમાં વિવિધ ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોટલ, રેસ્ટોરાં, ખાણી-પીણીનાં બજાર ઉપરાંત ખાનપાનના ધંધાર્થીઓના સ્થળે દરોડા પાડીને વિભિન્ન ખાદ્યપદાર્થોના નમૂના મ્યુનિસિપલ લેબમાં ચકાસણી માટે લેવાય છે, જેમાં લેબની ચકાસણી દરમિયાન જે ખાદ્યપદાર્થમાં ભેળસેળ જણાઇ આવે તેવા વેપારી સામે ભેળસેળ બદલ મેટ્રોપોલિટન કોર્ટમાં કેસ દાખલ કરાય છે, પરંતુ ભેળસેળ બદલ જેમની સામે કોર્ટ કેસ થયા છે તે પૈકીના કેટલાક આરોપીઓ અદાલતના સમન્સની બજવણી થવા છતાં કોર્ટમાં હાજર થતા ન હોઇ હવે આવા આરોપીની મિલકત જપ્ત કરાશે.

કેન્દ્રના પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એકટ હેઠળ જે ખાદ્યપદાર્થના નમૂનાની તપાસમાં લોકોના આરોગ્ય માટે હાનિકારક ગણાય તેવી ભેળસેળ જણાઇ આવે તો તેવા નમૂનાને ‘જોખમી’ જાહેર કરીને તેના ધંધાર્થી વેપારી વિરુદ્ધ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મેટ્રોપોલિટન કોર્ટ નં.૮માં કોર્ટ કેસ દાખલ કરાય છે.

જોકે ભેળસેળના કેસના આરોપીઓ પૈકીના અનેક આરોપીઓ કોર્ટના સમન્સને પણ ગાંઠતા નથી. કોર્ટ દ્વારા વારંવાર સમન્સ મોકલવા છતાં પણ અદાલતમાં હાજર થતા નથી, જેના કારણે ગત તા.૩૧ માર્ચે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શિલ્પા કાનાબારે ખાસ ઓર્ડર પ્રસિદ્ધ કરીને આવા આરોપીઓને જાહેર નોટિસ પાઠવીને તેની પ્રસિદ્ધિના ૧પ દિવસમાં કોર્ટમાં હાજર થવા તાકીદ કરી છે.

કોર્ટની જાહેર નોટિસની પ્રસિદ્ધિના ૧પ દિવસમાં આવા આરોપી જો કોર્ટમાં હાજર નહીં થાય તો તમામને ફરારી જાહેર કરી તેમની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાશે તેમજ પાસપોર્ટ સહિતના અન્ય સરકારી દસ્તાવેજો બંધ કરવાની સરકારને જાણ કરાશે.

આ ઉપરાંત આરોપીની ગેરહાજરીનો કેસ ચલાવાશે. આવા આરોપીઓના જામીનદાર વિરુદ્ધ પણ મિલકત જપ્તીની કાર્યવાહી કરવાનો મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા ઓર્ડર પ્રસિદ્ધ કરાતાં કોર્ટના સમન્સની અવગણના કરતા આરોપીઓ અને તેમના જામીનદારોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.
http://sambhaavnews.com/

You might also like