શિવલિંગની ઉત્પત્તિ અંગે જાણવા જેવી એક વાત

શિવજી નિરાકાર હોવાથી લિંગરૂપે, જ્યારે સાકાર હોવાથી તેઓ મૂર્તિરૂપે પૂજાય છે. લિંગરૂપે શિવ, જ્યારે ગંગાધારી રૂપે પાર્વતી છે. શિવ વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે, જ્યારે સતી બુદ્ધિનું પ્રતિક છે. શ્રદ્ધાનું જન્મ સ્થળ હૃદય છે અને બુદ્ધિનું જન્મસ્થળ મગજ છે.

મહા વદ ચૌદશની મઘ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાન્તિવાળા લિંગ સ્વરૂપે પ્રગટ થયા હોઈ તે દિવસે મહાશિવરાત્રિ કહે છે.

લિંગની ઉત્પત્તિની વાત કરીએ તો એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ‘પરમેશ્વર કોણ?’ના વિવાદને કારણે એકાએક અતિ પ્રકાશમાન જ્યોતિર્લિંગ પ્રગટ થયું. આ લિંગના પ્રાદુર્ભાવથી નક્કી થયું કે આ લિંગના અંતિમ ભાગને જે સ્પર્શ કરે તે પરમેશ્વર. બ્રહ્માજી હંસ બનીને લિંગના ઉપરના ભાગને જઈને, જ્યારે વિષ્ણુ વરાહ બનીને લિંગના નીચેના ભાગ તરફ જવા લાગ્યા. હજારો વર્ષો ચાલતા રહ્યા પરંતુ લિંગનો અંત ભાગ શોધી ન શક્યા. બંનેને અંત કે આદિ દેખાતો નથી.

એકાએક ‘ઓમ્‌’ શબ્દ સંભળાયો. પછી ૐ કાર સ્વરૂપે સ્વયં શિવ દેખાયા. શિવજીએ દર્શન આપી કહ્યું કે, ‘સૃષ્ટિને ઉત્પન્ન કરવાવાળા બ્રહ્માજી તમે મારા દક્ષિણ અંગથી અને પાલનહાર વિષ્ણુ તમે મારા વામ અંગથી ઉત્પન્ન થયા છો.’ આથી વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવજીની વંદના કરી અને ચરણોની દ્રઢ ભક્તિ વરદાન સામે માંગી.

શિવજી સુખમય સંસારરૂપને આલોક તથા પરલોકમાં સુખ આપનાર તેમજ કલ્યાણ કરનાર છે. તેઓ કલા સહિત નિર્ગુણ નિરાકાર છે. તેથી તેઓ નિષ્કલ નિરાકાર બન્ને છે. નિર્ગુણ નિરાકાર રૂપ તે શિવલિંગ છે.

શિવ એક બ્રહ્મરૂપ છે. આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા (આધાર) છે. પ્રલય કાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે.

શ્રાવણ સુદ તેરશના દિવસે શનિ પ્રદોષ વ્રત કરનારને માટે શિવલિંગની આરાધના-ઉપાસના, શિવ પૂજન વગેરે વિશેષ પ્રચલિત છે. “લિંગ” એટલે લક્ષણ, ચિહ્ન, નિશાન, બ્રહ્મનું પ્રતીક એવો અર્થ અભિપ્રેત છે. લિંગમાં શિવભક્તોનો જીવભાવ નષ્ટ કરવાની મહાન શક્તિ હોવાથી “લિંગ” નામ પડ્યું છે.

જે સાધક આ દિવસે લિંગપૂજનને વિશેષ અગત્ય આપે છે અને લિંગપૂજા પરાયણ બને છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. શિવલિંગમાં મનને એકાગ્ર કરીને જે સાધક નમસ્કાર કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને તથા રોગ રહિત બનીને મનને જ પામે છે.

શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે.

શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન-પૂજન માની લેવાય છે.

આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો તેમાં સમાવેશ થઈ જાય છે! શિવલિંગનાં પાંચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાંચ પ્રકારો આ પ્રકારે છે: (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરુ લિંગ.

શિવનું સ્વરૂપ કલ્યાણકારી છે, જેમના દર્શનમાત્રથી જીવ-પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે, આ તત્ત્વ તે શિવ તત્ત્વ છે. સ્કંદ પુરાણમાં શિવલિંગનો મહિમા વર્ણવતો શ્લોક છે “જ્યોતિર્મય જેમનું સ્વરૂપ છે, નિર્મળ જ્ઞાન જેમનું નેત્ર છે, જે સ્વયં લિંગ સ્વરૂપ છે, તે પરમ શાંત કલ્યાણમય ભગવાન શિવને અમારા વંદન.” •

You might also like