કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકી ઠાર

શ્રીનગર:  જમ્મુ-કાશ્મીરના કૂપવાડા ક્ષેત્રમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જારી છે. આ અથડામણમાં સુરક્ષા દળોને એક સફળતા મળી છે. સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. જંગલમાં છુપાયેલા આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સામસામા ગોળીબાર જારી છે. આ અથડામણ રવિવારે રાત્રે ૯-૦૦ વાગ્યે શરૂ થઇ હતી. જ્યારે ખાનપોરા જંગલમાંથી પસાર થઇ રહેલ સેેનાની ૪૭ રાષ્ટ્રીય રાઇફલના જવાનો પર ત્યાં છુુપાયેલા આતંકીઓએ લાગ જોઇને હુમલો કર્યો હતો. સેનાના જવાનોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો.

આતંકીઓએ ગોળીબાર ચાલુ રાખતાં સુરક્ષા દળોએ તેમની ઘેરાબંધી કરી દીધી હતી. અથડામણની જાણ થતાં જ સુરક્ષા દળોની વધુ કુમક સ્થળ પર પહોંચી ગઇ હતી.  દરમિયાન રવિવારે બુરહાન વાનીની વરસીને કારણે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં રેડ એલર્ટ જારી કરી દેવાયું હતું અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઇ હતી.

આઇપીએસ ઓફિસરનો ભાઇ આતંકી બન્યો
હિઝબુલ મુજાહિદ્દીને આઇપીએસના એક અધિકારીના ભાઇની તસવીર જારી કરીને જણાવ્યું છે કે તે આતંકી સંગઠનમાં જોડાઇ ગયો છે. સમસુલ હક્ક મેંગનું તસવીરમાં એક એકે-૪૭ રાઇફલ સાથે નજરે પડે છે. મેંગનુ યુનાની ચિકિત્સાનો અભ્યાસ કરી રહ્યો હતો. તેનો ભાઇ ઇમાનુલ હક્ક ર૦૧રની બેચના આઇપેસ અધિકારી છે. તેઓ હાલમાં પૂર્વોત્તરમાં તહેનાત છે.

You might also like