પ્રેમમાં પાગલ કોલેજિયને પાડોશી પરિણીતાને પરેશાન કરી દીધી

અમદાવાદ: કોલેજમાં અભ્યાસ કરતા યુવકે તેના પાડોશમાં રહેતી પરિણીતાને ફોન-મેસેજથી પરેશાન કરી અને એકતરફી પ્રેમમાં પાગલ બની તેને તેના પતિને છોડીને તેની પાસે આવી જવાનું કહ્યું. અભ્યાસ કરવાની ઉંમરમાં પ્રેમમાં પડતા વિદ્યાર્થીને સમજાવવા અને સીધા રસ્તે લાવવા માટે પરિણીતાએ મહિલા પોલીસનો સહારો લેવો પડ્યો છે. તેણે પાડોશમાં રહેતા યુવક સામે મહિલા પોલીસમાં અરજી કરી તેને સમજાવવાનું કહ્યું છે.

અખબારનગર વિસ્તારમાં પતિ કુશ સાથે રહેતી સલોની (ઉં.વ. 24) ગૃહિણી છે. કુશ ગાંધીનગર બાજુ આવેલી જાણીતી કંપનીમાં જોબ કરે છે. સલોની અને કુશ પહેલાં ભાડાના ઘરમાં રહેતાં હતાં, પણ કુશની જોબ નક્કી થઈ જતાં તેઓએ પોતાનું ઘર ખરીદી લીધું, પરંતુ જે એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં હતાં તેની સામેના બ્લોકમાં કોલેજમાં અભ્યાસ કરતો પૂજન રહેતો હતો, સલોની જ્યારે પણ કામ કરવા કિચનમાં આવે કે બાલ્કનીમાં આવે ત્યારે પૂજન તેને જોયા કરતો. પૂજને જેમ તેમ કરીને કુશ સાથે દોસ્તી કરી લીધી અને તેના ઘરનો લેન્ડ લાઈન નંબર મેળવી લીધો. પૂજન અવાર-નવાર તેના અભ્યાસમાં પ્રશ્નોનું બહાનું કાઢી તેના ઘરે જતો. કુશના ઓ‌િફસ ગયા બાદ પૂજન લેન્ડ લાઈન પર ફોન કરીને સલોનીનો અવાજ સાંભળી ફોન મૂકી દેતો.

એક દિવસ પૂજને ઘરમાં કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી સલોનીને કુશને છોડી તેની પાસે આવી જવાનું કહ્યું. સલોનીએ તેને ખૂબ સમજાવ્યું કે તારી ઉંમર અત્યારે ભણવાની છે અને કરિયર બનાવવાની છે અને તને મારાથી પણ સારી છોકરી મળી જશે, પણ પૂજને તે વાત પર ધ્યાન ન આપ્યું. તે રોજ સલોનીના ઘરે ફોન કરતો એટલે સલોનીએ ફોનનું કનેક્શન પણ બંધ કરાવી દીધું. ત્યારબાદ પૂજને તેનો મોબાઈલ નંબર મેળવી તેના મોબાઈલ પર ફોન કરવાનું શરૂ કર્યું. સલોની બજાર જાય તો તે બાઈક પર તેની પાછળ જાય. સલોનીએ પૂજનની આ હરકતથી કંટાળી તેના પતિને આ વાતની જાણ કરી. કુશે પણ પૂજનને સમજાવ્યો, પણ પૂજન સમજવા તૈયાર જ ન હતો. પૂજનના ત્રાસથી છુટકારો મેળવવા માટે પતિ-પત્નીને મહિલા પોલીસ સ્ટેશનનો સહારો લેવો પડ્યો. તેમણે પૂજનને સમજાવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે (પાત્રોનાં નામ બદલેલાં છે).

You might also like