પ્રેમીએ યુવતીનાં સાસરે મોકલ્યા લવલેટર અને ગીફ્ટ જેનો આવ્યો દુખદ અંત

(પ્રતિકાત્મક તસ્વીર)
અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતીનો સંસાર ત્યારે સળગી ઉઠ્યો જ્યારે એક યુવક દ્વારા જુના પ્રેમપત્રો અને ગીફ્ટ મોકલતા સાસરીનાં લોકો હતપ્રભ થઇ ગયા હતા. જો કે આ તમામ વસ્તુઓ મળ્યા બાદ હવે તે યુવતી પોતાને પિયર પાછી આવી ગઇ છે. હાલ તેનું લગ્ન જીવન ભંગાણનાં આરે છે. જો કે યુવકે તેની આછકલી હરકતો ચાલુ રાખતા હાલ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, નરોડામાં રહેતી નિરાલી (નામ બદલ્યું છે) સરકારી નોકરી કરી છે. ત્રણ વર્ષ પહેલા અમરાઇવાડી ખાતે તેના લગ્ન થયા હતા. લગ્નના 6 મહિના પછી નિરાલીનાં સાસરીયામાં એક પાર્સલ આવ્યું હતું. ત્યાર બાદ એક પ્રેમ પત્ર પણ આવ્યો હતો. જેનાં પગલે નિરાલી અને તેના પતિ વચ્ચે ઝગડો પણ થયો હતો.

આ પછી તો ગિફ્ટ અને લવ લેટર આવવાનો જાણે નિત્યક્રમ બની ગયો હતો. જેના પગલે નિરાલીનું જીવન ડામાડોળ બન્યું હતું. જેથી કંટાળેલી યુવતી પોતાની બે વર્ષની બાળકી સાથે પિયર આવી ગઇ હતી. જો કે યુવાનો પોતાની હરકતો ચાલુ રાખી અને પિયરનાં ઘરે પત્રો અને ગીફ્ટ મોકલવાનું ચાલુ કર્યું હતું. જેથી કંટાળેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. જેથી હાલ પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like