એક શ્રેણી, બે કેપ્ટન અને જીત્યું હિન્દુસ્તાન

ધર્મશાલાઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની અંતિમ ટેસ્ટ અને શ્રેણી ભારતે જીતી લીધી છે. ચાર મેચની શ્રેણીમાં ભારતે ૨-૧થી વિજય મેળવ્યો. આ શ્રેણી વિજય સાથે ભારતે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ભારત આ ટેસ્ટ શ્રેણી બે કેપ્ટનની કેપ્ટનશિપમાં જીત્યું. શરૂઆતની ત્રણ ટેસ્ટમાં વિરાટ કોહલી ટીમનો કેપ્ટન હતો. વિરાટ ઈજાગ્રસ્ત થવાના કારણે અજિંક્ય રહાણેને ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ ચોથી ટેસ્ટમાં સંભાળ્યું અને ભારતે ચોથી ટેસ્ટમાં વિજય હાંસલ કર્યો.

પહેલાં ક્યારે આવું બન્યું હતું?
એવું પહેલી વાર નથી બન્યું કે જ્યારે ભારતે બે કેપ્ટન સાથે કોઈ શ્રેણી જીતી હોય. આ પહેલાં પણ ઘણી વાર એવું બની ચૂક્યું છે. ૨૦૧૦માં બાંગ્લાદેશ સામે વીરેન્દ્ર સેહવાગે ધોનીની ગેરહાજરીમાં એક ટેસ્ટમાં નેતૃત્વ સંભાળ્યું હતું. ત્યાર બાદ ધોનીએ બાકીની ટેસ્ટમાં કેપ્ટનશિપ સંભાળી હતી. એ શ્રેણી પણ ભારતે જીતી લીધી હતી. વર્ષ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા સામે જ મહેન્દ્રસિંહ ધોની અને અનિલ કુંબલેની કેપ્ટનશિપમાં ભારતે શ્રેણી પર કબજો જમાવ્યો હતો. એ શ્રેણીમાં અનિલ કુંબલેએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ ધોનીને ટીમ ઇન્ડિયાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એ ઉપરાંત પણ ભારતે ઘણી એવી શ્રેણી જીતી છે, જેમાં બે કેપ્ટને નેતૃત્વ સંભાળ્યું હોય.

કોહલીનું જોશ, રહાણેની કૂલનેસ
વિરાટ ઘણો આક્રમક કેપ્ટન છે. તે હંમેશાં જોશ-ઉત્સાહથી ભરેલો હોય છે. તેનું જોશ મેદાન પર પણ નજરે પડે છે, જ્યારે કોહલીથી તદ્દન ઊલટું અજિંક્ય રહાણે એકદમ શાંત સ્વભાવનો કેપ્ટન છે. વિરાટ સમગ્ર શ્રેણીમાં બેટથી તો નિષ્ફળ રહ્યો, પરંતુ તેના પ્રદર્શનની અસર તેની કેપ્ટનશિપ પર પડી નહીં. શ્રેણીમાં પાછળ રહ્યા બાદ પણ કોહલીએ પોતાની આક્રમક કેપ્ટનશિપ ચાલુ જ રાખી અને શ્રેણી સરભર કરી. અજિંક્ય રહાણે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ સંભાળનારો ૩૩મો કેપ્ટન બન્યો. આ પહેલાં રહાણેએ ક્યારેય પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં કેપ્ટનશિપ સંભાળી નહોતી.

બંનેએ સામાન્ય પ્રદર્શન કર્યું
વિરાટ અને રહાણેએ વર્તમાન શ્રેણીમાં સામાન્ય પ્રદર્શન કર્યું. વિરાટ કોહલીએ ત્રણ ટેસ્ટમાં માત્ર ૪૬ રન બનાવ્યા, જ્યારે રહાણેએ શ્રેણીમાં એક અર્ધસદી સાથે ૧૯૮ રન બનાવ્યા. બંને બેટ્સમેન સમગ્ર શ્રેણીમાં ફોર્મ સામે ઝઝૂમતા રહ્યા.

You might also like