Ahmedabad: ઓઢવની ગરીબ આવાસ યોજનાની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

અમદાવાદ: ઓઢવના ર૦ વર્ષ જૂના ગરીબ આવાસ યોજનાના કુલ ૭૦ બ્લોક પૈકી બે બ્લોક ગઇ કાલે સાંજે અચાનક જમીનદોસ્ત થવાની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. મોડી રાતના ૧-૩૦ વાગ્યાના સુમારે મૃતકની લાશ કાટમાળમાંથી મળી આવી હતી.

દરમ્યાન આ લખાય છે ત્યારે હજુ તંત્ર દ્વારા કાટમાળ ખસેડાઇ રહ્યો હોઇ બપોર સુધીમાં દુર્ઘટના સ્થળને સમતળ કરાશે, જોકે કાટમાળ નીચે અન્ય કોઇ વ્યક્તિ દટાઇ હોવાની કોઇ આશંકા નથી.

ગઇ કાલે સાંજે ઓઢવમાં ઈન્દિરા ગરીબ આવાસ યોજના હેઠળ બનાવાયેલા કુલ ૭૦ બ્લોક પૈકી બ્લોક નં.ર૩ અને ર૪ પત્તાંના મહેલની માફક ધરાશાયી થવાથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.

આ દુર્ઘટનાના પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને કલેક્ટર, મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર વગેરે સ્થળ પર દોડી ગયા હતા.

તંત્ર દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરીને પ્રાથમિકતા અપાઇ હતી અને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફના જવાનો તેમજ એસ્ટેટ વિભાગના સ્ટાફ સહિતની ટીમ દ્વારા ૭૦થી વધુ કટર અને ચાર જેસીબી મ‌શીન સહિત યુદ્ધના ધોરણે કામગીરી આરંભીને કાટમાળ નીચે દટાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની કવાયત હાથ ધરાઇ હતી.

આ દુર્ઘટનામાં તંત્ર દ્વારા ભયજનક બનેલા બંને બ્લોકના લોકોને સખતાઇપૂર્વક ખસેડાયા હોઇ સદ્નસીબે મૃત્યુઆંક ઓછો રહ્યો છે અને ગઇ કાલે મોડી રાતના ૧-૩૦ કલાકે કાટમાળ નીચેથી ૨૭ વર્ષીય સરબજીત પારથીની લાશ મળી આવી હતી.

દરમ્યાન આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો સંપર્ક કરાતાં તેઓ કહે છે, બંને બ્લોકમાં રહેતા ૧પ૦ લોકોને સહી-સલામત સ્થળે ખસેડવા માટે તંત્ર દ્વારા કડકાઇ અપનાવાઇ હતી. રવિવારે સાંજે ડેપ્યુટી કમિશનરને બ્લોક ખાલી કરાવવા માટે ખાસ મોકલાયા હતા. તંત્રની સમય સૂચકતાથી મોટી જાનહા‌િન સર્જાતાં અટકી ગઇ હતી.

અત્યારે અન્ય બચેલા બ્લોકની સ્ટ્રક્ચરલ કેપેસિટી તપાસ અંગેનો સર્વે ચાલી રહ્યો છે, જે સાંજ સુધીમાં મળી જશે અને આ સર્વેના આધારે અન્ય બ્લોકમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા સહિતના પાસાની વિચારણા હાથ ધરાશે.

જાણકાર સૂત્રો કહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અન્ય બ્લોકના સ્ટ્રક્ચરલ કેપેસિટીના સર્વે માટે બે ટીમ કામે લગાડાઇ છે. આ ટીમના પ્રાથમિક રિપોર્ટ મુજબ પુરાણ કરેલી જમીન પર બ્લોક બનાવાયા હોવાથી જમીન સેટલમેન્ટના કારણે દુર્ઘટના સર્જાઇ હતી.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા બે દિવસ પહેલાં આ બંને બ્લોકમાં રહેતા લોકોને ચેતવણી સાથે નજીકના ભરવાડવાસના રેનબસેરામાં વૈકલ્પિક વ્યવસ્થા અપાઇ હતી.

રેનબસેરામાં ૧૦૦ લોકોનો સમાવેશ કરવાની ક્ષમતા હોવા છતાં તંત્રની સખતાઇ બાદ પણ માંડ ૪૦ લોકોએ રવિવારે સાંજે આશરો લીધો હતો તેમાં પણ બ્લોક જમીનદોસ્ત થયાના સમાચાર મળતાં આ લોકો સ્થળ પર જવા રવાના થયા હતા. આજે સવારે માંડ આઠ લોકો આશરો લઇ રહ્યા છે.

મકાન ખાલી કરાવવાની તંત્રની નોટિસને લોકો ગંભીરતાથી લેઃ મ્યુનિ. કમિશનર
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ઓઢવ દુર્ઘટનાના પગલે લોકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું છે કે એક-એક માનવ જિંદગી ખૂબ અમૂલ્ય છે. ઓઢવમાં એક વ્યકિતનું મૃત્યુ થવાથી ખૂબ દુઃખ થયું છે, પરંતુ આની સાથે-સાથે મારી લોકોને વિનંતી છે કે તંત્ર દ્વારા ભયજનક મકાનને લગતી અપાતી નોટિસને ગંભીરતાથી લેવામાં આવે.

You might also like