નવસારીના ટોળી ગામે બે જાનૈયાઓ વચ્ચે ધીંગાણુંઃ એક વ્યક્તિનું મોત

અમદાવાદ: નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ટોળી ગામે ગઇ કાલે સાંજે એક જ ઘરમાં આવેલી બે જાનનાં જાનૈયાઓ વચ્ચે ડી.જે.માં નાચવા બાબતે થયેલી જૂથ અથડામણમાં એક યુવકનું મોત નીપજ્યું છે જ્યારે ચાર વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારીના ટોળી ગામે ગઇ કાલે એક જ ઘરમાં બે જાન આવી હતી. સાંજના સમયે ડી.જે.માં નાચવા બાબતે બે વ્યક્તિઓને બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બંને જાનના જાનૈયાઓ સામસામે આવી ગયા હતા અને લાકડી, દંડા અને છૂટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી. ઘટનાને પગલે લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઇ હતી. ૧પ થી ર૦ વ્યક્તિઓનાં ટોળાંએ એક યુવકને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં ચાર વ્યક્તિઓને પણ ઇજા થઇ હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ અંગે ૧પ થી ર૦ વ્યક્તિનાં ટોળાં વિરુદ્ધ રાયોટિંગ, હત્યા અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like