લકઝરી પ્રોડકટસ પર એક ટકા કૃષિ સેસ ઝીંકાશેઃ નાણાં મંત્રાલયની લીલીઝંડી

નવી દિલ્હી: હવે લકઝરી આઇટમો વધુ મોંઘી જશે. સરકારે જીએસટી હેઠળ આવતી લકઝરી આઇટમ્સ પર એક ટકા કૃષિ સેસ લગાવવા માટે લીલીઝંડી આપી દીધી છે. આ લકઝરી આઇટમ્સ પર અત્યારે ર૮ ટકા જીએસટી લાગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયે લકઝરી આઇટમ્સ પર અેક ટકા કૃષિ સેસ લગાવવા પર મંજૂરીની મહોર મારી દીધી છે. હવે આ પ્રસ્તાવ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા જીએસટી કાઉ‌ન્સિલને મોકલવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે.

એક ટકા કૃષિ સેસ લગાવવાને કારણે એર કન્ડિશનર, વોશિંગ મશીન, ફ્રીઝ, સિમેન્ટ, કલર ટેલિવિઝન, પરફયુમ, ડીશ, વેકયુમ ક્લિનર, ટુ વ્હીલર, કાર, વિમાનો, પાનમસાલા, સિગારેટ અને ટોબેકો પ્રોડકટસ મોંઘી બનશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આ નિર્ણય ખેડૂતો માટે ખરીફ પાકના એમએસપી વધાર્યા બાદ કર્યો છે. એમએસપી વધારવાથી સરકારી તિજોરી પર રૂ.૧પ,૦૦૦ કરોડનો આર્થિક બોજ પડશે. જો સરકાર સ્વયં અા બોજ ઉઠાવશે તો તેના કારણે નાણાકીય ખાધ વધી શકે છે. આજ કારણસર હવે કૃષિ સેસ લગાવવાનો નિર્ણય કર્યો છે.

નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે કૃષિ સેસ લગાવવાથી સામાન્ય ગ્રાહકો પર વધુ અર નહીં પડે. સરકાર હાલ કેટલીક રાહતો ગ્રાહકોને આપી શકે છે. જીએસટીના ર૮ ટકા સ્લેબમાં આવતી કેટલીક આઇટમ્સ ત્યાંથી હટાવીને ૧૮ ટકાના સ્લેબમાં મૂકી શકે છે.

અર્થશાસ્ત્રી ડો.સારથિ આચાર્યનું કહેવું છે કે સરકાર એક હાથેથી આપીનેે બીજા હાથે લઇ લેવાની કામગીરી કરી રહી છે. એક બાજુ ખેડૂતોને તેમની કૃષિ પેદાશોનાના ભાવ વધુ આપવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ તેની વસૂલાત સામાન્ય લોકો પાસેથી કરવામાં આવી રહી છે. કારણ કે જીએસટીના ર૮ ટકા સ્લેબમાં ઘણી એવી ચીજવસ્તુઓ છે જેનો ઉપયોગ સામાન્ય લોકો કરે છે.

You might also like