સરકારી સેવાઓ માટે હવે માત્ર એક પાનાનું ફોર્મ ભરવું પડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે પોતાની સ્કીમ અને સર્વિસ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા જઇ રહી છે. એક વર્ષની અંદર જન્મ અને મરણ પ્રમાણપત્ર સહિત કેટલાય સરકારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બની જશે. આ માટે માત્ર એક જ પાનાનું ફોર્મ ભરવું પડશે. શુક્રવારે ગુડ ગવર્નન્સ ડે પર રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે આ અંગે જાહેરાત કરી હતી.

જ્યારે અત્યારે લોકોને સરકારની કોઇ પણ યોજના કે સેવા માટે ભારેખમ ફોર્મ ભરવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા ખૂૂબ જ અઘરી હોય છે અને તેમાં એકની એક માહિતી વારંવાર ભરવી પડે છે. આમ ફોર્મ ભરવાની આ અઘરી પ્રક્રિયાને બદલવાની માગણી ઊભી થઇ છે અને તેથી કેન્દ્ર સરકારે હવે મોટા ભાગની સરકારી સેવાઓ માટે એક પાનનું જ ફોર્મ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે કે જેથી લોકોને મુશ્કેલી ન પડે અને ફોર્મ ભરનારની તમામ વિગતો એક જ પાનામાં આવી શકે.

મહેકમ વિભાગના સચિવ સંજય કોઠારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક ધોરણે જન્મ અને મરણ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે. મહેકમ અને તાલીમ વિભાગે (ડીઓપીટી) કેન્દ્ર સરકારના પેન્શન સહિતની અન્ય સેવાઓ માટેના ફોર્મ સરળ કરી દીધાં છે. ડીઓપીટી દર મહિને ઓછામાં ઓછા બે વિભાગમાં સરળ અરજી, સુગમ પ્રક્રિયા અને સ્વચ્છ પ્રશાસન માટે એક વર્કશોપનું આયોજન કરશે.

You might also like