ટ્રેનની અડફેટે કોઈ મૃત્યુ પામે ત્યારે દોડી જતા સેવાભાવી ખુદ ટ્રેનની ટક્કરથી મોતને ભેટ્યા

અમદાવાદ: મણિનગર-વટવા રેલવે લાઈન પર છેલ્લા એક દાયકાથી ટ્રેનની અડફેટમાં આવતા લોકોને બચાવવા માટે અથવા તો મોતને ભેટેલા અનેક લોકોના મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલીને સેવાનું કામ કરતા કાળુભાઇ નામની સેવાભાવી વ્યક્તિ ખુદ ટ્રેનની અડફેટમાં આવી મોતને ભેટ્યા હતા. કોઇ પણ વ્યકિત ટ્રેનની અડફેટમાં આવી ગઇ હોય અથવા તો કોઇએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હોય ત્યારે રેલવે પોલીસ કે સ્થાનિક પોલીસ પહોંચે તે પહેલાં મ‌િણનગર વિસ્તારમાં રહેતા કાળુભાઇ દેવીપૂજક પહોંચી જતા અને મૃતકના કપાયેલા અંગોને ભેગા કરીને સેવાનું કામ કરતા હતા. ફ્રૂટની લારી ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા કાળુભાઇ ગઇ કાલે ટ્રેનની અડફેટમાં આવીને મોતને ભેટ્યા છે.

કાળુભાઇ છેલ્લા એક દાયકાથી ટ્રેનની અડફેટે આવેલા એક હજાર કરતાં વધુ વ્યકિતઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગઇ કાલે મણિનગર દક્ષિણી રેલવે ટ્રેક પર કોઇ વ્યકિત ટ્રેનની અડફેટમાં આવી ગઇ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક રેલવે ટ્રેક પર દોડી ગયા હતા એકાએક પુરઝડપે આવેલી ટ્રેનની અડફેટમાં તેઓ આવી જતાં ઊછળીને રેલ્વે ટ્રેક પર પડ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં દક્ષિણી વેપારી એસોસીએશનના અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકતાઓ રેલવે ટ્રેક પર દોડી આવ્યા હતા ત્યારે ખોખરા પોલીસ પણ પહોંચી ગઇ હતી અને કાળુભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. કાળુભાઇના મોતથી પોલીસબેડા તેમજ સ્થાનિકોમાં ભારે શોકની લાગણી છવાઇ હતી. સામા‌િજક કાર્યકર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે કાળુભાઇ ટ્રેનની અડફેટમાં આવેલા લોકોના કપાઇ ગયેલાં અંગોને ભેગાં કરતા હતા અને વેપારી એસોસીએશન પાસેથી કફન લાવી ઓઢાડતા હતા.

http://sambhaavnews.com/

You might also like