અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના ખોળામાં બાળ હનુમાનજી જોવા મળે છે. અંજની માતાની મૂર્તિ ખૂબ જ ભવ્ય છે. અંજની માતાના મંદિર દ્વારા ગરીબોને દરરોજ સાંજે રામરોટી તથા વસ્ત્રદાન અને ગરીબોને મફત દવા પણ આપવામાં આવે છે.

મા અંજની પૂર્વ જન્મમાં દેવરાજ ઇન્દ્રના દરબારમાં પુંજિકસ્થલા નામના અપ્સરા હતાં. દેવરાજ ઇન્દ્રને મળવા આવેલ ઋષિનો અજાણતાં તેમનાથી અપરાધ થઇ ગયો. ઋષિએ તેમને શ્રાપ આપ્યો કે, “જા તું પૃથ્વી ઉપર વાનરી સ્વરૂપ પામ. જેના ધ્યાનમાં તું મગ્ન થઇ મારો આદર સત્કાર કરવાનું ભૂલી ગઇ છે તેનાથી તારો કયારેય મેળાપ થશે નહીં.”

અપ્સરાએ ઘણી આજીજી કરતાં ઋષિએ તેને આશીર્વાદ આપ્યા કે, “જ્યારે તું જે સ્વરૂપ ઇચ્છીશ તે સ્વરૂપ તને પ્રાપ્ત થશે. જેના ધ્યાનમાં તું લીન થઇ મને સત્કારવાનું ભૂલી ગઇ છે તેના પુત્રની તું માતા બનીશ.”

આ મંદિરના મહંત વિજયદાસજી બાપુ કહે છે, “આ વર્ષે હનુમાન જયંતી ૧૯ તારીખને શુક્રવારે છે. હનુમાનજી મહારાજ ભગવાન શંકરના ૧૧મા રુદ્ર અવતાર છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજીનું પ્રાગટ્ય મંગળવારે થયું હતું. વળી, હનુમાનજી પણ ૧૧મા રુદ્ર અવતાર છે. આવો અદ્ભુત યોગ ઘણાં વર્ષો પછી આવતાં હનુમાન ભક્તોમાં ખૂબ હર્ષની લાગણી પ્રગટી છે.

આ વર્ષે પણ હનુમાન જયંતીના પાવન પ્રસંગે મંદિર ખાતે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરાયું છે. અહીં તા. ૧૯, શુક્રવારે, હનુમાન જયંતીના દિવસના રોજ સવારે ૮.૦૦ વાગ્યે મારુતિ યજ્ઞ, બપોરે ૧૨.૩૯ વાગ્યે શ્રીફળ હોમાશે. સાંજે ૬.૩૦ કલાકે સંધ્યા આરતી, ૭.૦૦ વાગ્યે મહાપ્રસાદ તેમજ રાત્રે ૮.૩૦ વાગ્યે સંતવાણી  (કીર્તિદાન ગઢવીના લોક ડાયરા)નું આયોજન કરવામાં આવ્યું છે.”
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like