એક જ પરિવારના 5 લોકોની આત્મહત્યા ,અંતિમયાત્રામાં કઠલાલ હિબકે ચઢ્યું

કઠલાલ: ગઈકાતા વહેલી સવારે કઠલાલના મુકેશ વાળંદે પોતાની પત્ની અને ત્રણ નાની પુત્રીઓ સાથે શેઢી કેનાલમાં સામુહિક આત્મહત્યા કરી હતી. ત્યારબાદ ગઇકાલે તેમની પત્ની લલીતાબેન અને દીકરી જહાનવીની લાશ મળી હતી. તો આજે રુદન અને વડથલ પાસે વહેતી કેનાલમાંથી મુકેશભાઈ અને તેમની સૌથી નાની દીકરીની લાશ મળી આવી હતી. જેની અંતિમ ક્રિયા આજે કરવામાં આવી હતી. અંતિમયાત્રામાં પૂર્વ ધારાસભ્ય સહીત હજારો કઠલાલવાસી જોડાયા હતા ઘટનાને પગલે કઠલાલમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે હજુ સુધી આ પરિવારની સામુહિક આત્મહત્યાનું કારણ અકબંધ જ રહેવા પામ્યું છે.

છેલ્લા ૨૫ વર્ષ થી કઠલાલમાં અનાજ કારીયાણાની દુકાન સાથે ઈંટવાળો ચાલવતા મુકેશભાઈ કાન્તીભાઈ વાળંદ પોતાની પત્ની સાથે મધરાત્રે ઘર છોડી ને ચાલ્યા ગયા હતા. અને ત્યારબાદ વહેલી સવારે શેઢી કેનાલમાં ત્રણ માસુમ પુત્રીઓ અને પત્ની સાથે પડતું મૂકી જીવન ટુકાવ્યું હતું. એક જ પરિવારના ૫ સભ્યની આત્મહત્યાએ કઠલાલ સહીત ખેડા જીલ્લાને હચમચાવી દીધું હતું.

ઘટનાને પગલે પોલીસે તમામની શોધખોળ કરતાં મહુધાના વડથલ અને મહેમદાવાદના રુદન પાસેથી મુકેશભાઈ અને તેમની પુત્રીની લાશ આજે મળી આવી હતી, તો ગતરોજ આજ જગ્યાએથી પત્ની લલીતાબેન અને પુત્રીની લાશ પણ મળી આવી હતી. જોકે હજુ સુધી એક દીકરીની લાશ મળી નથી તેની શોધખોળ પોલીસ અને પરિવાર દ્વારા ચાલુ છે. ત્યારે આજે અંતિમ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય અને હાલ ખેડા જીલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ કનું ડાભી પણ જોડાયા હતા અને પરિવારને આશ્વાસન આપ્યું હતું.

જે રાત્રે મુકેશભાઈ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરવા નીકળ્યા હતા તે દિવસે તે ઘરેથી ૧૦:૩૦ વાગે નીકળ્યા હતા અને તેમના ભાઈ અને બહેનની સાથે મોબાઈલ ઉપર સતત સંપર્કમાં હતા અને મરવાની વાતો કરતા હતા. પરંતુ તે અંગેનું કારણ સ્પષ્ટ નહોતા કરતા જેને લઇ પરિવારની શોધખોળ સગાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. આ અંગે કઠલાલ પોલીસમથકે પણ જાણ કરવા ગયા હતા પરંતુ પોલીસે ગંભીરતા ના દાખવતા અંતે આ પરિવાર સવારે ૩ વાગ્યાની આસપાસ આત્મહત્યા કરવામાં સફળ થયો હતો. બે બહેનો અને નાના ભાઈએ બે દિવસમાં પોતાના ભાઈ ભાભી અને બે ભાણીઓની લાશને અંતિમ વિદાઈ આપી છે જેને લઇ પરિવાર સહીત કઠલાલ શોકમાં ગરકાવ થયું છે.

You might also like