તામિલનાડુમાં જલ્લીકટ્ટુ દરમિયાન એકનું મોત: ૧૦૦થી વધુ ઘાયલ

728_90

ચેન્નઈ: તામિલનાડુમાં ૧પ જાન્યુઆરીથી શરૂ થયેલા પોંગલ મહોત્સવ દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં આયોજિત કરવામાં આવેલ જલ્લીકટ્ટુ દરમિયાન એક દર્શકનું મોત થયું છે અને ૧૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ટએટેકના કારણે દર્શકનું મોત થયું હતું. આ ઉપરાંત બળદ બેકાબૂ બની જતાં ૧૦૦થી વધુ લોકો ઘવાયા હતા.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં પણ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં પોંગલના મહોત્સવ દરમિયાન જલ્લીકટ્ટુ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે. જલ્લીકટ્ટુ રમતના લોકપ્રિય આયોજન સ્થળ ગણાતા અલંગનલ્લુર ખાતે આ ઘટના બની હતી. હરીફાઈ જોવા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા અને મૃતક દર્શક પણ તેમાં સામેલ હતો. ૪પ વર્ષીય આ વ્યક્તિ રમત જોતાં જોતાં ખૂબ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેનું હૃદય બંધ થઈ ગયું હતું.

જલ્લીકટ્ટુ સમારોહમાં કુલ ૭ર૯ બળદનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદેશથી પણ હજારો પ્રવાસીઓ આ રમત જોવા આવ્યા હોવાથી ૧પ૦૦ પોલીસકર્મીઓને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા હતા. પહેલી વખત આયોજન સ્થળે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના જવાનોની એક ટીમને પણ તહેનાત કરવામાં આવી હતી.

તામિલનાડુના પ્રધાન આર.પી. ઉદયકુમારે સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. બળદને કાબૂમાં કરનારા યુવાનો અને વિજેતા બળદના માલિકોને લાખો રૂપિયાનાં ઈનામ આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અવરાંગંદુ (તિરુચિરાપલ્લી), પદુકોટ્ટઈ, કરુર અને ડિંડીગુલ સહિત અનેક સ્થળો પર જલ્લીકટ્ટુનું આયોજન કરવામાં આવ્યું હતું.

You might also like
728_90