અમદાવાદના ફતેહવાડી કેનાલ પાસે બે રાઉન્ડ ફાયરિંગમાં એકનું મોત

અમદાવાદ ફતેહવાડી કેનાલ પાસે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ ફતેહવાડી વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં નાસીર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ફાયરિંગ બાદ તેને સારવાર અર્થે વી.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો શિવા મહાલીંગમ નામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાના આરોપ લાગી રહ્યા છે. મૃતક નાસીરે શિવાને ભાડેથી મકાન અપાવ્યું હતું. જોકે શિવાની લુખ્ખાગીરી અને લોકોને ભેગા કરીને નશો કરવા જેવી બાબતોના કારણે સ્થાનિક લોકોએ નાસીરને ઠપકો આપ્યો હતો.

જેથી નાસીરે શિવાને મકાન ખાલી કરવા કહ્યું હતું. જોકે શિવો આ બાબતે ઉશ્કેરાઈ ગયો હતો અને બે દિવસ પૂર્વે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખીને નાસીર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં નાસિર મોતને ભેટયો છે. હાલમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

You might also like