મુંબઈનાં દહીં હાંડી ઉત્સવમાં 1નું મોત અને ૧પ૦થી વધુ ઘાયલ

મુંબઈઃ જન્માષ્ટમી પર્વ નિમિત્તે આયોજિત દહીં હાંડીના કાર્યક્રમ દરમિયાન મુંબઈ અને ઉપનગરોમાં થયેલા અકસ્માતોમાં એક ગોવિંદાનું મોત નીપજ્યું છે જ્યારે ૧પ૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર થાણે જિલ્લામાં થયેલા અકસ્માતમાં ૧૦ અને ૧ર વર્ષનાં બે બાળકો સહિત ૧૩ ગોવિંદા ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્તોને થાણે અને કલ્વાની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મધ્ય મુંબઈના ધારાવીમાં સોમવારે બપોરે દહીં હાંડીનાં કાર્યક્રમ દરમિયાન કુશ ખાંડારે (ઉં.વ. ર૦) માનવ પિરા‌િમડની પહેલી શૃંખલા પર ચડ્યો ત્યારે તેને અચાનક વાઈ આવી હતી અને તે નીચે પટકાયો હતો.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કુશ ખાંડારેને તુરંત જ સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે ધારાવીની એક ચાલનો રહેવાસી હતો. છેલ્લા આંકડાઓ પ્રમાણે મુંબઈ અને તેના પરા વિસ્તારમાં બનેલી અલગ અલગ અકસ્માતોની ઘટનાઓમાં ૧પ૦થી પણ વધુ ગોવિંદાને ઈજા થઈ છે.

થાણેમાં દહીં હાંડી ફોડવા પર રૂ.રપ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. અહીં થયેલા અકસ્માતમાં ૧૦ અને ૧ર વર્ષનાં બે બાળકો સહિત કુલ ૧૩ ગોવિંદાને ગંભીર ઈજાઓ થઈ છે. ઉલ્લેખનીય છે કે ર૦૧૭માં જન્માષ્ટમી પર્વ પર દહીં હાંડી ફોડવા દરમિયાન લગભગ ૮૦ લોકો ઘાયલ થયા હતા.

પોલીસનાં જણાવ્યાં અનુસાર ઘાયલ થયેલા ૧પ૦ ગોવિંદામાંથી ૯૧ લોકોને મોડી રાતે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ૩૦થી વધુ લોકોની હાલત હજુ પણ ગંભીર છે. પ્રગટ ભયે નંદલાલા : મથુરામાં જય કનૈયાલાલ કી ના નાદ ગૂંજી ઊઠ્યાં.

ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી મથુરા સહિત દેશભરમાં ભારે ધૂમધામ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. મથુરાથી લઈને મુંબઈ સુધી ભક્તજનો કાનુડાની ભક્તિમાં રંગાઈ ગયા હતા. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં રાતે ૧ર-૦૦ વાગ્યે જય કનૈયાલાલ કીના નાદ ગૂંજી ઊઠ્યા હતા. અહીં રજતકમળમાં બાળ ગોપાલનો જન્મ થયો હતો.

પ્રભુનાં અવતરણ બાદ પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશેષ શૃંગાર કરીને આરતી કરવામાં આવી હતી અને ભક્તોને પ્રસાદમાં લાડુ વહેંચવામાં આવ્યા હતા. શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં ભાગ લેવા માટે દેશ-દુનિયાનાં લાખો શ્રદ્ધાલુઓ મથુરા અને વૃંદાવનમાં પહોંચ્યા હતા. બાંકે બિહારી, ઈસ્કોન અને પ્રેમ મંદિરમાં અનેક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીકૃષ્ણનું અવતરણ થવાની સાથે જ રાતે ૧ર વાગ્યે વધાઈનાં ગીતો ગૂંજી ઊઠ્યાં હતાં. રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસજી, શ્રીકૃષ્ણ જન્મસ્થાનના સચિવ કપિલ શર્મા, અનુરાગ દાલમિયા, ગોપેશ્વર નાથ ચતુર્વેદીએ ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો હતો. ૧૦૦૮ કમળપુષ્પથી પુષ્પ અર્ચનવિધિ કરવામાં આવી હતી.

જયપુરમાં બનાવવામાં આવેલી સોના-ચાંદીની કામધેનુ ગાયનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. મથુરા, વૃંદાવન સહિત દેશભરનાં કૃષ્ણ મંદિરમાં સાંજથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સાંજથી જ મોટા ભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ભક્તો ચાર કિલોમીટર ચાલીને પણ તેમના પ્રિય ભગવાનના જન્મની ઉજવણી માટે પહોંચ્યા હતાં.

You might also like