રૂપિયા એક કરોડનો બોગસ ચેક વટાવવા ગયા ને પકડાઈ ગયા

અમદાવાદ: છત્તીસગઢના રાયપુર શહેરમાં આવેલી એક એન્જિનિયરીંગ કંપનીના નામનો બોગસ ચેક વટાવવા જતાં ત્રણ શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ લીંબડીની એસબીઆઇમાં એક કરોડની રકમનો ચેક વટાવવા જતા હતા, પરંતુ બેંક મેનેજરની સતર્કતાથી આરોપીઓ ઝડપાઇ ગયા હતા.

ક્રાઇમ બ્રાંચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એસ. એલ. ચૌધરીની ટીમે બાતમીના આધારે રસીદ ઉર્ફે યાસીન મોમીન (ઉં.વ. ૪૭, રહે. જહાંગીર મિલ, વકીલની ચાલી, દેવજીપુરા), સંતોષકુમાર જયરામ ચૌધરી (ઉ.વ.૪૦, રહે. શ્રેય એક્ઝોટિકા, વસ્ત્રાલ) અને વિજય મફતલાલ પરમાર (ઉ.વ.૩પ, રહે. પુરુષોત્તમનગર, ઓઢવ)ને ઝડપી લીધા હતા.

આરોપીઓની પૂછપરછ દરમ્યાન આ ત્રણેય શખ્સોએ તેમના અન્ય સાથીદારો સાથે મળી છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરની આશુતોષ એન્જિનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝ, જરવાય, હીરાપુરની કંપનીના નામનો બોગસ ચેક રૂ.૧ કરોડનો બનાવ્યો હતો. આ ચેક લઇ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલી એસબીઆઇમાં વટાવવા ગયા હતા.

બેંક મેનેજરને રૂ. એક કરોડના ચેક બાબતે શંકા જતાં તેમણે આ બાબતે કંપનીને જાણ કરી હતી. કંપની દ્વારા આવો કોઇ ચેક ઇશ્યૂ કરાયો ન હોવાનું જાણવા મળતાં બેંક મેેનેજરે ચેકને ક્લિયર કર્યો નહોતો. તેઓ પરત આવી ગયા હતા. બાદમાં પોલીસને જાણ થતાં તેઓએ ત્રણેયને ઝડપી લીધા હતા.

You might also like