એક કોલ સેન્ટરની બાતમી મળતાં પોલીસે રેડ કરી તો બીજું પણ મળ્યું!

અમદાવાદ: મુંબઇના થાણે વિસ્તારમાં ઝડપાયેલા કોલ સેન્ટર કૌભાંડના પગલે અમદાવાદ શહેરમાં ચાલતાં અનેક કોલ સેન્ટર બંધ થઇ ગયાં હતાં. ઉપરાંત પોલીસ કમિશનર એ. કે. સિંઘે તમામ ગેરકાયદે ચાલતાં કોલ સેન્ટરને બંધ કરવાના આદેશ આપ્યા હતા, પરંતુ ફરીથી કોલ સેન્ટર ધમધમવાનાં શરૂ થઇ ગયાં છે.

આંબાવાડી વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ એલિસબ્રિજ પોલીસે કોલ સેન્ટર ઝડપ્યું હતું ત્યારે ગત મોડી રાતે સાયબર ક્રાઇમ બ્રાંચે સરખેજ-સાણંદ ચોકડી પાસે મકરબા ખાતે આવેલા એક કોમ્પ્લેક્સમાંથી બે ગેરકાયદે ચાલતાં કોલ સેન્ટર ઝડપી પાડ્યાં છે. પોલીસે એક યુવતી સહિત ૧૩ લોકોની ધરપકડ કરી છે જ્યારે મે‌િજક જેક અને કમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ અમેરિકન નાગરિકો પાસેથી લોન ભરપાઇ કરવાના બહાને પૈસા પડાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હાલ આ તમામની પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સાયબર ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ એસીપી રાજદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ પીઆઇ જે. એસ. ગેડમ અને તેમની ટીમે બાતમીના આધારે મકરબા ખાતે આવેલા સિગ્નેચર કોમ્પ્લેકસ-રના પાંચમા માળે ચાલતા કોલ સેન્ટર પર રેડ કરી હતી. પોલીસને રેડ દરમ્યાન એક નહીં, પરંતુ બે કોલ સેન્ટર મળી આવ્યાં હતાં. એક કોલ સેન્ટરમાં એક યુવતી સહિત છ અને અન્ય કોલ સેન્ટરમાં ૭ યુવકો કામ કરી રહ્યા હતા. પોલીસે મે‌િજક જેક ડિવાઇસ અને ૧પથી વધુ કમ્પ્યૂટર સેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓની પૂછપરછ દરમ્યાન અમેરિકન નાગરિકો પાસેથી લોન ભરપાઇના બહાને ડરાવી-ધમકાવી પૈસા પડાવતા હતા. એકાદ મહિનાથી આ કોલ સેન્ટર તેઓએ શરૂ કર્યું હતું. જેકી શેખ અને તારીક હાશ્મી નામની બે વ્યક્તિ અા કોલ સેન્ટર ચલાવતી હતી. બંને કોલ સેન્ટરોના દરવાજા અંદરથી બંધ રાખવામાં અાવતા હતા. દરેક કર્મચારીને એક કોડવર્ડ અાપ્યો હતો. ફોન કરીને એ કોડવર્ડ અાપે તો જ કોલ સેન્ટરનો દરવાજો ખોલવામાં અાવતો હતો. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. પોલીસે હાલ આરોપીઓએ લીડ ક્યાંથી મેળવી હતી તેમજ વોઇપ કોની પાસેથી મેળવ્યું હતું તેની તપાસ આરંભી છે.

http://sambhaavnews.com/

You might also like