ચાણક્યપુરી વિસ્તારનો બનાવ: ઘરની બહાર રમતા દોઢ વર્ષના બાળકનું કારની ટક્કરે મોત

અમદાવાદ: ચાણક્યપુરી વિસ્તારમાં અાવેલી સોસાયટીમાં ઘરની બહાર રમતાં દોઢ વર્ષનાં બાળક પર કાર ચલાવી દેતાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અે ડિવિઝન ટ્રાફિક પોલીસે અા અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

અા અંગેની વિગત અેવી છે કે ચાણક્યપુરી ભવનાથ સોસાયટીની બાજુમાં અાવેલી ગાયત્રીપાર્ક સોસાયટીના બી/૩૩ નંબરના બંગલામાં શ્યામસુંદર શર્મા તેમના પરિવાર સાથે રહે છે. તેમનો નાનો પુત્ર વિશાલ ચાણક્યપુરી બ્રિજ નીચે પાનનો ગલ્લો ચલાવે છે.

ગઈ કાલે સાંજે ૪ વાગ્યાની અાજુબાજુ શ્યામસુંદર તેમના ઘરની બહાર બેઠા હતા. તેમનો દોઢ વર્ષનો પૌત્ર ઋત્વિક ઘરની બહાર રમી રહ્યો હતો. દરમિયાનમાં તેમની જ સોસાયટીમાં અે/૩૩ નંબરના બંગલામાં રહેતા હરેશભાઈ અોધવજીભાઈ પઢિયાર ઇકો ગાડી લઈને અાવ્યા હતા અને ઘરની બહાર રમતા ઋત્વિકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં તેના શરીરના પીઠના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

ઇજાગ્રસ્ત ઋત્વિકને તેમની જ કારમાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ લઈ ગયા બાદ હરેશ ત્યાંથી કાર લઈ ફરાર થઈ ગયો હતો.

ફરિયાદમાં અાક્ષેપ કરવામાં અાવ્યો છે કે હરેશ પઢિયાર સાથે અગાઉ ગાડી પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. તે દરમિયાનમાં હરેશ તેઅોને ગાડીથી ઉડાવી દેવાની ધમકી અાપતો હતો. અા બોલાચાલીની અદાવત રાખી અને ઋત્વિકને ગાડીથી કચડી નાખ્યો છે.  અે ડિવિઝન ટ્રાફિક પોલીસે અા અંગે હરેશ પઢિયાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ધરપકડની તજવીજ હાથ ધરી છે.

You might also like