એક સમયે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન પાછળ રહી જતાં ભાજપમાં પડ્યો સોપો

અમદાવાદ: વિધાનસભા ચૂંટણીની સવારે ૮ વાગ્યાથી મત ગણતરી શરૂ થતાંની સાથે ભાજપ અાગળ વધી રહ્યું હતું પરંતુ એક કલાક બાદ જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે પાછળ રહી ગયા હતા. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પાછળ ચાલી રહ્યા હોઈ ભાજપમાં એક સમયે સોપો પડી ગયો હતો.

મત ગણતરીની શરૂઅાત થતાની સાથે શરૂઅાતી ટ્રેન્ડમાં ભાજપ ૩૦થી વધુ સીટ ઉપર અાગળ ચાલી રહ્યું હતું જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે અાગળ ચાલી રહ્યા હતા જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલથી અાગળ ચાલી રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ અાગળ હતા પરંતુ ૯ વાગ્યાની અાસપાસ અચાનક જ ટ્રેન્ડ બદલાયો હતો અને કોંગ્રેસ ભાજપ કરતાં અાગળ નીકળી ગઈ હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ૪૨૦૦ જેટલા મતથી ઇન્દ્રનીલ રાજ્યગુરુની સામે પાછળ રહી ગયા હતા. જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ૩૭૦૦ જેટલા મતોથી જીવાભાઈથી પાછળ રહી ગયા હતા. એક સમયે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન ૩૦૦૦થી વધુ મતોથી પાછળ ચાલી રહ્યા હોઈ ભાજપમાં સોપો પડી ગયો હતો.

જો કે અચાનક જ ફરી ટ્રેન્ડ બદલાતા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તેમજ પ્રદેશ પ્રમુખ ફરી અાગળ નીકળી ગયા હતા. થોડા સમય માટે ભાજપના દિગ્ગજો પાછળ રહી જતાં ભાજપના કાર્યકરોમાં અને લોકોમાં મુખ્યપ્રધાનની તેમજ નાયબ મુખ્યપ્રધાનની હાર થશે કે કેમ તેવી ચર્ચાઅો શરૂ થઈ ગઈ હતી.

You might also like