ઉત્તર ભારતમાં ફરી એક વાર કાતિલ ઠંડીની લહેર

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ફરી એક વાર કાતિલ ઠંડીની લહેર ફરી વળી છે. બે દિવસથી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતાં અને ઠંડીમાં એકાએક વધારો થઈ જતાં તંત્રએ આગામી ચોથી જાન્યુઆરી સુધી યુપીની તમામ સરકારી અને ખાનગી સ્કૂલને બંધ રાખવા આદેશ આપ્યો છે. જોકે આઠમા ધોરણથી ઉપરનાં ધોરણની સ્કૂલ ચાલુ રાખી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે. અને તેનો ટાઈમ સવારના ૯ને બદલે ૧૦ વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં અનેક ટ્રેન અને હવાઈ સેવા પર અસર પડી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ શીત લહેર ફરી વળી છે. જેના કારણે આ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે ઊતરી ગયો છે. સવારના ૧૧ વાગ્યા સુધી આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતાં જનજીવન પર માઠી અસર પડી રહી છે.

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં તાપમાન શૂન્યથી પણ નીચે રહેતા મેદાની વિસ્તારમાં કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે હજુ એકાદ બે દિવસ આવુ વાતાવરણ જ‍ળવાઈ રહેશે.તેમજ વાદીમાં બરફ વર્ષા અથવા વરસાદ પડે તેવી સંભાવના પણ છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ આગામી ચોથી જાન્યુઆરી સુધી આવું જ વાતાવરણ જળવાઈ રહેશે.પરંતુ આ વિસ્તારમાં વરસાદ અથવા બરફ વર્ષાની હાલ કોઈ સંભાવના જણાતી નથી.

દરમિયાન પંજાબમાં પણ છેલ્લાં ત્રણ દિવસથી હાડ થિજવતી ઠંડી પડી રહી છે. અને હજુ થોડા દિવસો ઠંડી પડવાનું ચાલુ રહેશે. તેથી નવું વર્ષ લોકોએ કાતિલ ઠંડી વચ્ચે જ મનાવવુું પડશે. આ તરફ બઠીંડા સિમલા કરતાં પણ વધુ ઠંડુ રહ્યું છે. અહીં ચાર ડિગ્રી તાપામાન રહ્યું હતું. જેના કારણે આ વિસ્તારની હવાઈ સેવા પર ખાસ અસર રહી હતી.

You might also like