RJના Facebook પેજ પર પતિએ અંગત વાતોના બ્લોગની લિંક મૂકી

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી ખાનગી એફએમ રેડિયોની આરજેએ તેના મુસ્લિમ પતિ સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ આરજે પત્નીના ફેસબુક પેજ પર ખાનગી વાતોના બ્લોગની લિંક કોમેન્ટમાં મૂકી દીધી હતી. સગાંસંબંધીને સોશિયલ મીડિયા દ્વારા અભદ્ર મેસેજ કરી બદનામ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

શાહીબાગ વિસ્તારમાં રહેતી અને રેડિયો જોકી તરીકે કામ કરતી યુવતીએ ર૦૧૩માં મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નજીવન દરમિયાન યુવતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પતિ કોઈ કામધંધો ન કરતો હોવાથી પત્નીના પૈસે પ્રહ્લાદનગર ખાતે સાઇકલનો શો-રૂમ શરૂ કર્યો હતો. ધંધામાં નુકસાન જતાં ધંધો બંધ કરી દીધો હતો. પતિએ ઘર બદલાવવા દબાણ કરતાં બોપલના એપલવૂડમાં યુવતીએ ફ્લેટ ખરીદ્યો હતો.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે વારંવાર હેરાન કરી પિયર જવા અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો. તેના પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાનું તેને જાણવા મળ્યું હતું. મારામારી અને ઝઘડા કરતાં આરજેએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

તેઓને છૂટાછેડા લેવા હોઈ કેસનું સમાધાન કરી લીધું હતું. દરમ્યાનમાં દીકરાને મળવા માટે પતિ વારંવાર યુવતીને મેસેજ અને ઓફિસે ફોન કરીને હેરાન કરતો હતો. દરમ્યાનમાં રપ મેના રોજ યુવતીના પતિએ ઈ-મેઇલ આઈડીથી યુવતીનાં બે ફોઈ-કાકા અને મોટાભાઈના ઈ-મેઇલ પર અશ્લીલ અને અભદ્ર મેસેજ કર્યા હતા.

ઉપરાંત ફેસબુક, વોટ્સએપ મારફતે પણ મેસેજ ફરતા કર્યા હતા. યુવતીના આરજેના ફેસબુક પેજ પર ખાનગી વાતોના બ્લોગની લિંક કોમેન્ટમાં મૂકી બદનામ કરી માનસિક ત્રાસ આપતાં યુવતીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.

You might also like