મદદ કરવાના બહાને ગઠિયાએ ડેબિટ કાર્ડ બદલીને રૂ.1.38 લાખ ઉપાડી લીધા

અમદાવાદ: શહેરની અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલ એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે આવેલ એક યુવકનું ડેબિટ કાર્ડ એક ગઠિયાએ નજક ચૂકવીને લઇ લીધા બાદ એટીએમમાંથી ૧.૩૮ લાખ ઉપાડી લેવાની ઘટના ઘટી છે. ગઠિયાએ યુવકની મદદ કરવાને બહાને ડેબિટ કાર્ડ બદલી દીધું હતું અને પિન નંબર જાણી લીધો હતો.

અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલ કાંતિલાલની ચાલીમાં રહેતા પ્રકાશ ભીલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. તારીખ ૩ જૂન ૨૦૧૬ના રોજ પ્રકાશ તેની માતાનું ડેબિટ કાર્ડ લઇને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ગેટની સામે એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયો હતો.

પ્રકાશ ડેબિટ કાર્ડથી એટીએમમાં રૂપિયા ઉપાડવાની પ્રોસેસ કરતો હતો ત્યારે તેની પાછળ એક યુવક ઊભો હતો. ડેબિટ કાર્ડ સ્વાઇપ કરતી વખતે એટીએમના ડિસ્પ્લેમાં કોઇપણ માહિતી નહીં આવતાં યુવકે પ્રકાશ પાસેથી ડેબિટ કાર્ડ લઇને તેની મદદ કરી હતી. જેમાં પ્રકાશે ડેબિટ કાર્ડનો પિન નંબર આપી દીધો હતો.

યુવકે પ્રકાશની નજર ચૂકવીને બીજી કોઇ વ્યકિતનું ડેબિટ કાર્ડ આપીને જતો રહ્યો હતો. મોડી રાતે પ્રકાશની માતાના મોબાઇલ પર બેન્કમાંથી ૧.૩૮લાખ રૂપિયા ડેબિટ થઇ ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. પ્રકાશે તાત્કાલીક ડેબિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું અને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયો હતો. શાહીબાગ પોલીસે પ્રકાશની અરજી લઇને તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન કશું જ મળી નહીં આવતાં દોઢ મહિના બાદ પોલીસ ગુનો દાખલ કર્યો છે.

You might also like