યુદ્ધ વિરામ એલાનના આગલા દિવસે જ તાલિબાનોએ 200 પ્રવાસીને બંધક બનાવ્યા

કાબુલ: તાલિબાનોએ અફઘાન સરકારના યુદ્ધ વિરામ પ્રસ્તાવને ફગાવી દેતાં જણાવ્યું છે કે તેઓ તેમના હુમલા ચાલુ જ રાખશે. યુુદ્ધ વિરામના એલાનના આગલા દિવસે જ તાલિબાનો દ્વારા ત્રણ બસનું અપહરણ કરીને ર૦૦ પ્રવાસીને બંધક બનાવ્યા હતા. જોકે અફઘાન દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ૧૪૯ બંધકને તાલિબાનોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા.

અા બંધકમાં મહિલા અને બાળકનો પણ સમાવેશ થતો હતો. જોકે હજુુ પણ પ૧ લોકો તાલિબાનની પકડમાં છે અને તેમને મુકત કરાવવા માટેનું ઓપરેશન જારી છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ સાત તાલિબાની આતંકીને ઠાર માર્યા હતા.

અફઘાનિસ્તાનના કુંદુંજ પ્રાંતના ગવર્નર એસ્માતુલ્લા મુરાદીના જણાવ્યા પ્રમાણે બાકીના બંધકોને છોડાવવા માટે સુરક્ષાદળોનું ઓપરેશન જારી છે.

સોમવારે તાલિબાની આતંકીએ તકખર પ્રાંતથી કાબુલ જઇ રહેલી ત્રણ બસને રોકીને તેમાં બેઠેલા ર૦૦ જેટલા પ્રવાસીને બંધક બનાવી દીધા હતા અને તમામને અજાણ્યા સ્થળે લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રવિવારે ઇદને ધ્યાનમાં રાખીને તાલિબાન સાથે ત્રણ મહિનાનો યુદ્ધ વિરામ જારી કર્યો હતો.

સરકારી આદેશ અનુસાર અફઘાનિસ્તાનમાં યુદ્ધ વિરામ ર૦ ઓગસ્ટથી ર૯ નવેમ્બર (પયગંબર મહંમદનો જન્મ દિવસ) સુધી અમલમાં રહેશે, પરંતુ તાલિબાનના બે આતંકીએ જણાવ્યું હતું કે તેમના સૂત્રધાર શેખ હેબતુલ્લા અકુનજાદાએ રાષ્ટ્રપતિ અશરફ ગનીનો યુદ્ધ વિરામ પ્રસ્તાવ ફગાવી દીધો છે.

તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૧૭ વર્ષથી ચાલી રહેલ જંગ ત્યારે જ બંધ થઇ શકે કે જ્યારે અમેરિકા સાથે સીધી વાત થાય. અમે અફઘાનિસ્તાનનો કાયદો લાગુ પાડવા માટે પ્રતિબદ્ધ છીએ અને સાર્વભૌમત્વ ઇચ્છીએ છીએ.

આ અગાઉ અશરફ ગનીએ ૭ જૂનના રોજ ઇદ-ઉલ-ફિત્રને લઇને યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો. આ દરમિયાન ૧૧થી ૧૯ જૂન સુધી યુદ્ધ વિરામ રહ્યો હતો. ર૦૦૧માં અમેરિકાનાં વડપણ હેઠળ સુરક્ષાદળોએ તાલિબાનને સત્તા પરથી હટાવી દીધા હતા ત્યારથી અફઘાન સેના અને તાલિબાનો વચ્ચે જંગ ચાલી રહ્યો છે.

You might also like