ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા ઠૂમકા તો મારવા પડશે

અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદીઓને બેઠી ઠંડી કરતાં તેજ ગતિ ધરાવતા શીતાગાર પગન ધ્રુજાવી રહ્યા છે. આવા માહોલને કારણે પતંગરસિયાઓમાં આ ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે અનુકૂળ એવો પવન ફુંકાશે તેવી આશા જાગી છે, પરંતુુ આ ઉત્તરાયણમાં પણ ગત વર્ષની ઉત્તરાયણની જેમ ‘દશેરાના દિવસે જ ઘોડું નહીં દોડે’ તેવો ઘાટ સર્જાઇને પવનની ગતિ ધીમી પડશે અને પતંગરસિયાઓને પોતાની પતંગ ઊંચે આકાશમાં ચઢાવવા માટે ઠૂમકા મારવા પડશે.

સામાન્ય રીતે પવનનું જોર ન હોય તો પતંગરસિયાઓના ઉત્સાહ પર ઠંડું પાણી રેડાઇ જાય છે. ધાબા પર ડીજે પાર્ટી ગોઠવીને આનંદમાં આવી જનારા શોખીનો ઉત્તરાયણે સડસડાટ પવન ન ફૂંકાય તો નિરાશામાં ગરકાવ થઇ જાય છે. જોકે ઉત્તરાયણના દિવસે પણ કુદરત રમત રમી જાય છે. ઉત્તરાયણ અગાઉના દિવસોમાં સવારથી સાંજ પ્રતિકલાક ૧ર થી ૧૩ કિ.મી. ઝડપે પવન અચાનક ઉત્તરાયણે ગાયબ થઇ જાય છે.

તેજ ગતિવાળા પવનના અભાવે પતંગ ચગાવવા ઠૂમકા લગાવી લગાવીને પતંગરસિયાના બાવડા દુઃખી જાય છે. આકાશમાં પણ પૂરતી સંખ્યામાં પતંગ ઊડતા ન હોઇ આપસમાં પેચ લડાવવાની રંગત પણ જામતી નથી. એકમેકનો પતંગ કાપીને જોશભેર ‘એ કાઈપો છે’ની બૂમો પણ જાણે કે મંદ પડી જાય છે.

આગામી સોમવારે આવનારી ઉત્તરાયણમાં પણ શોખીનો માટે નિરાશાજનક વાતાવરણ રહેવાનું છે.સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા ઉત્તરાયણે ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશા ધરાવતા અને પ્રતિકલાક માંડ ૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરાઇ છે. આ આગાહી સાચી પડશે તો પતંગરસિયાઓને ખરેખર નિરાશ થવું પડશે.

વાસી ઉત્તરાયણે પવનની ગતિમાં સહેજ વૃદ્ધિ થઇને પ્રતિકલાકે ૧૦ કિ.મી.ની થશે તેમ છતાં આગાહી પ્રમાણે જો હવામાન રહેશે તો વાસી ઉત્તરાયણ પણ બગડશે તે બાબત ચોક્કસ છે.

You might also like