ભાવનગર-રાજકોટ હાઇવે પર રંઘોળા પાસે જાનની ટ્રક નાળામાં ખાબકીઃ ર6 જાનૈયાનાં મોત, ૩પને ઇજા

અમદાવાદ: ભાવનગર-રાજકોટ હાઇવે પર બોટાદના રંઘોળા નજીક આજે સવારે જાનૈયાઓથી ખીચોખીચ ભરેલી ટ્રક નાળામાં ખાબકતાં બનેલી ગોઝારી ઘટનામાં રપ જાનૈયાના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે ૩પથી વધુને ઇજા પહોંચતા ભાવનગર અને બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાંથી પણ પાંચની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ-ભાવનગર રોડ પર બોટાદ નજીક રંઘોળા ગામ પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસેથી આજે સવારે ૮-૦૦ વાગ્યાના સુમારે કોળી પરિવારની જાન ટ્રકમાં પસાર થઇ રહી હતી ત્યારે ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

વાતાવરણ જાનૈયાઓની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું
જાનૈયાઓથી ખીચોખીચ ભરેલી ટ્રક ગઢડા તરફ જવાની હતી. જાનૈયાઓ ટ્રકમાં મોજમસ્તી કરતાં હતા ત્યારે અચાનક રંઘોળા પાસે ટ્રક નાળામાં ખાબકતા તમામ જાનૈયાઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા અને બચાવો બચાવોની ચિચિયારીઓથી વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

શિહોરના અનીડા ગામની જાન ટાટમ ગામે જઇ રહી હતી
શિહોર નજીક આવેલા અનીડા ગામની કોળી પરિવારની જાન ગઢડા નજીક આવેલ ટાટમ ગામે જઇ રહી હતી આ જાનમાં ઓછામાં ઓછા ૬૦ થી ૭૦ જાનૈયાઅોને ટ્રકમાં બેસાડાયા હતા. આ અકસ્માતમાં રપ જાનૈયાઓ ઘટના સ્થળે જ કાળનો કોળિયો બની ગયા હતા.

મોતનાં માતમ વચ્ચે પણ લગ્નવિધિ ચાલુ રખાઇ
અનીડાથી ટાટમ જઇ રહેલી કોળી પરિવારની જાન ભરેલી ટ્રક નાળામાં ખાબકતાં રપ જાનૈયાના મોત થયા હતા. વરરાજા કારમાં આગળ નીકળી ગયા હોવાથી તેને આ વાતની જાણ કરવામાં આવી ન હતી. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને તેના મોટાભાઇના પરિવારના સભ્યોનાં મોત થયા હતા. પરંતુ વરરાજા ટાટમ પહોંચી ગયા હોવાથી તેને આની જાણ કરાઇ ન હતી અને લગ્નવિધિ રાબેતા મુજબ ચાલુ રખાઇ હતી.

સી.એમ. કાર્યાલયે અકસ્માતની ઘટનાની વિગતો મંગાવી
રંઘોળા પાસે આજે સવારે બનેલા આ અકસ્માતના બનાવમાં રપ લોકોનાં મોત અને ૩પથી વધુને ઇજા પહોંચવાની ઘટનાની સી.એમ. કાર્યાલયે પણ ગંભીર નોંધ લીધી છે અને આ બનાવની તમામ વિગતો મંગાવવામાં અાવી છે.

૧૦૮ની પાંચ ટીમો ઘટના સ્થળે
રંઘોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની જાણ થતાં ૧૦૮ની પાંચ ટીમો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી ટ્રકના કાટમાળ નીચે દબાયેલાઓને બહાર કાઢી હોસ્પિટલે ખસેડયા હતા.

વહીવટી અને હેલ્થ વિભાગ ખડેપગે
આજે સવારે બનેલી આ ગોઝારી ઘટના બાદ કલેકટર અને ડિસ્ટ્રિકટ હેલ્થ વિભાગનાં સ્ટાફે તાત્કાલીક પહોંચી જઇ બચાવ કામગીરી શરૂ કરી હતી.

અનીડા અને ટાટમ ગામમાં શોકનું મોજું ફેલાયું
કોળી પરિવારની જાન આજે વહેલી સવારે શિહોર તાલુકાના આંબલા ગામ નજીક આવેલ અનીડા ગામેથી નીકળી હતી અને ગઢડા તાલુકાના ટાટમ ગામ ખાતે જઇ રહી હતી ત્યારે આ ગમખ્વાર અકસ્માત થતાં રપ જાનૈયાઓનાં મોતનાં સમાચાર મળતા અનીડા અને ટાટમ ગામમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે.

You might also like