રવિવાર સાંજના વાવાઝોડાથી શહેરમાં ૩૧ વૃક્ષ ધરાશાયી થયાં

અમદાવાદઃ અમદાવાદમાં ગઈ કાલે સાંજે વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અનેક વિભાગોમાં ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. વાવાઝોડાને પગલે શહેરભરમાં ૩૧ વૃક્ષ જમીનદોસ્ત થયાં હતાં. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. શહેરમાં સાંજના સુમારે આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. વીજળીના કડાકા ભડાકા તેમજ ધૂળની ડમરી ઉડાડતા તોફાની પવનની સાથે શહેરભરમાં વરસાદ ખાબકી પડ્યો હતો. આ વાવાઝોડાને લીધે મ્યુનિસિપલ કંટ્રોલ રૂમ તેમજ બાગ બગીચા વિભાગના કંટ્રોલ રૂમમાં વૃક્ષ ધરાશાયી થવાની કુલ એકત્રીસ ફરિયાદ નોંધાઈ હતી.

મ્યુનિસિપલ બાગ બગીચા વિભાગના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલ કહે છે કે, ગઈ કાલના વાવાઝોડાથી કુલ ૩૧ વૃક્ષ ધરાશાયી થયાં છે,જેમાં પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ નવ વૃક્ષ, નવા પશ્ચિમ ઝોનમાં આઠ વૃક્ષ, મધ્ય અને દક્ષિણ ઝોનમાં ચાર વૃક્ષ અને પૂર્વ તેમજ ઉત્તર ઝોનમાં ત્રણ-ત્રણ વૃક્ષ જમીનદોસ્ત થયાં હતાં. જોકે ક્યાંયથી પણ કોઈ જાનહાનિના સમાચાર નથી. દરમિયાન શહેરના રામોલ, હાથીજણ, બાકરોલ અને વાંચ ગામ જેવા વિસ્તારોમાં વાવાઝોડાએ લોકોને ભયભીત કર્યા હતા. આ વિસ્તારોમાં અનેક વૃક્ષ તૂટી પડ્યા હતા તો લોકોનાં મકાનનાં પતરાં ઊડીને દૂર દૂર સુધી ફેંકાઈ ગયાં હતાં. વાંચ ગામની સહકારી મંડળીના ચેરમેન કેશવ પટેલના આંગણાનું વૃક્ષ તૂટી પડતાં તેની નીચે એક પાડો દબાઈ ગયો હતો.

http://sambhaavnews.com/

You might also like