28 સપ્ટેમ્બરે વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ સામે વેપારીઓનું ભારત બંધ

નવી દિલ્હી: વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલ વિરુદ્ધ ટ્રેડર્સ એસોસીએેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા ૨૮ સપ્ટેમ્બરે વેપાર-ધંધા બંધ રાખીને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્લિપકાર્ટ અને અમેરિકાની કંપની વોલમાર્ટની ડીલને કોમ્પિટેશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ મંજૂરી આપી દીધી છે.

તેના પગલે વોલમાર્ટ દ્વારા ૧૬ અબજ ડોલરમાં ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો લેવા માટે માર્ગ મોકળો થઇ ગયો છે. ડીલને મંજૂરી મળ્યા બાદ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા જણાવાયું હતું કે આ નિર્ણય વિરુદ્ધ અમે કોર્ટના દ્વાર પણ ખટખટાવવાનો ફેંસલો કર્યો છે.

તેના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ ડીલની વિરુદ્ધ ૨૮ સપ્ટેમ્બરે વેપારીઓ દેશવ્યાપી બંધ પાળશે. આ ઉપરાંત ડીલ વિરુદ્ધ સમર્થન મેળવવા અને રિટેલમાં એફડીઆઇને મંજૂરી નહીં આપવાની માગણીને લઇને ૧૫ સપ્ટેમ્બરથી દિલ્હીથી વેપારીઓ એક રથયાત્રા કાઢશે. ૧૬ ડિસેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રીય વ્યાપાર રેલી યોજાશે.

ભારતીય ટ્રેડર્સનું કહેવું છે કે વોલમાર્ટ ભલે દેશમાં ઓનલાઇન માર્કેટ દ્વારા એન્ટ્રી કરી રહી હોય, પરંતુ આગળ જતા તે ઓફલાઇન બજારમાં પણ આવશે જ. પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા પ્રમાણે આવી કંપનીઓ દુનિયામાંથી કોઇ પણ જગ્યાએથી માલસામાન લાવશે અને દેશને ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી દેશે.

ભારતીય રિટેલર્સ માટે લેવલ પ્લેયિંગ ફિલ્ડ રહેશે નહીં અને સ્પર્ધામાં તેઓ પાછળ રહી જશે. તેમનો બિઝનેસ પણ બરબાદ થઇ જશે. તેમનું કહેવું છે કે દેશમાં અત્યારે સાત કરોડ રિટેલર્સ છે, જેમાંથી ત્રણ કરોડ રિટેલર્સને વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલથી સીધી રીતે નુકસાન પહોંચશે અને તેથી વેપારી સંગઠનો તેનો ઉગ્ર વિરોધ કરશે.

You might also like