પેમેન્ટમાં વિલંબ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ સહિત ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે

હવે પેમેન્ટમાં વિલંબ પર ઇનપુટ ક્રેડિટ સહિત ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે. તેલંગણા હાઇકોર્ટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સહિત ઓવરઓલ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી) પર વ્યાજની માગણીને પડકારતી અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટના આ રુલિંગની સમગ્ર ઇન્ડસ્ટ્રી પર વ્યાપક અસર થઇ શકે છે.

હાઇકોર્ટના આ ચુકાદાનો અર્થ એ થાય છે કે જો એસેસી (કરદાતા) તરફથી ટેક્સ પેમેન્ટમાં વિલંબ થાય તો અધિકારી બાકી નીકળતા ટેક્સ (ગ્રોસ ટેક્સ લાયેબિલિટી) પર વ્યાજની માગણી કરી શકે છે. ગઇ સાલ ૨૨ ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલે એવું સૂચન કર્યું હતું કે ટેક્સ પેયર પાસેથી નેટ લાયાબિલિટી પર વ્યાજની માગણી કરવામાં આવે. આ માટે કાયદામાં સુધારો કરવાની પણ વાત થઇ હતી.

કાઉન્સિલે જણાવ્યું હતું કે વેલિડ ઇનપુટ ટેક્સ ક્રેડિટને ગ્રોસ ટેક્સ લાયાબિલિટીમાંથી ઘટાડીને બાકી નીકળતી રકમના પેમેન્ટમાં વિલંબ થવા પર વ્યાજની વસૂલાત કરવી જોઇએ, જોકે તેલંગણા હાઇકોર્ટે જીએસટી કાઉન્સિલના આ સૂચનને ફગાવી દીધું છે, કેમ કે હજુ સુધી આ માટે કાયદામાં સુધારો કરાયો નથી.

હાઇકોર્ટે જણાવ્યું છે કે ટેક્સના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)વાળા ભાગ પર વ્યાજની માગણીને પડકાર ફેંકવામાં આવ્યો હતો, જે યોગ્ય નથી. તેથી આ પિટિશન ફગાવી દેવામાં આવે છે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ ચુકાદો સ્થાપિત પ્રક્રિયા અને સરકારના હેતુની વિરુદ્ધ છે. પીડબ્લ્યુસીમાં ઇનડાયરેક્ટ ટેક્સના નેશનલ લીડર પ્રતીક જૈને જણાવ્યું હતું કે આ રુલિંગ સરકારની વિચારણા સાથે મેળ ખાતું નથી. ઇન્ડસ્ટ્રીની પરંપરાની વિરુદ્ધ છે. બીજી બાજુ જીએસટી કાઉન્સિલનું આઇટીસી પરનું સૂચન સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી કાયદામાં સુધારા બાદ જ અમલી બનશે.

You might also like