યુટ્યૂબરનું પાગલપણુંઃ ૩૦૦ ફૂટ ઊંચી ઈમારત પર એક હાથે લટકયો અને પછી….

સ્કોટલેન્ડના પીટરહેડ ટાઉનમાં રહેતો વીસ વર્ષનો એલ્વિસ બોડેનોવ્સ નામનો યુવાન યુટ્યૂબ ચેનલ ચલાવે છે અને એમાં ભાઈસાહેબ જાતજાતના અખતરા અને સ્ટન્ટ્સ કરે છે, જોકે તાજેતરમાં સ્ટન્ટ માટે એલ્વિસ લંડનના એક કેસલ ટાવર-બ્લોક પર ચડી ગયો અને એની પાળીની બહારના લોખંડના બીમ પર જઈને જાતજાતના અખતરા કર્યા.

કુલ ૩૫ માળ એટલે કે લગભગ ૩૦૦ ફૂટથી વધુ ઊંચા ટાવર પરના એક સ્ટન્ટમાં તેણે કોઈ જ સેફ્ટી ગિયર વાપર્યું ન હતું. તેણે કપાળે એક કેમેરા બાંધ્યાે હતો અને તેનો દોસ્ત મેથ્યુ એડમ્સ પાળી પરથી તેનો વીડિયો લઈ રહ્યો હતો. આમ તો તે સનસેટ જોવા માટે આ ટાવર પર ચડ્યો હતો પણ ત્યાંથી જે મસ્ત નજારો જોયો એટલે તેને જીવના જોખમે સ્ટન્ટ કરવાનું સૂઝ્યું. એલ્વિસે લોખંડની પાતળી પાળી પર ઊભા રહીને હેન્ડસ્ટેન્ડ કર્યું હતું.

એક હાથે બોડીને બેલેન્સ કર્યું હતું અને પછી પાળી પરથી નીચે એક હાથના બળે લટક્યો પણ હતો. એલ્વિસ આ વીડિયો સાથે લખે છે કે તેણે આ પહેલાં આ હદે ક્રેઝી કહેવાય એવો અખતરો નહોતો કર્યો એટલે લોકો આ સ્ટન્ટને વખાણશે કે વખોડશે એની તેને ખબર નહોતી. સ્માર્ટફોને માલિકને તીરથી બચાવી લીધો ઓસ્ટ્રેલિયના નિમ્બિન નામના એક અંતરિયાળ ગામમાં રહેતા ૪૩ વર્ષના ભાઈના ઘરે કેટલાક લોકો ઝઘડો કરવા આવ્યા અને વાત ઉગ્ર બની જતાં લોકો તીરકામઠાં લઈને હુમલો કરવા પર આવી ગયા.

આ ઘટનામાં ઘરના માલિકે બહારથી આવી રહેલા લોકો કેવી ધમાલ મચાવી રહ્યા છે એનો વીડિયો લેવાનું શરૂ કર્યું અને એ જ વખતે સામેથી તીર છૂટ્યું અને તેના તરફ આવ્યું. ફિલ્મોમાં બને છે એમ તીરથી સ્માર્ટફોન વીંધાઈ ગયો અને ફોનનો માલિક બચી ગયો. એ જ વખતે ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચતાં લોકો રફેદફે થઈ ગયા. સ્માર્ટફોને પોતાનો જીવ બચાવ્યો હોવાથી પોલીસે તીર સહિત ફોન પણ પુરાવારૂપે જપ્ત કરી લીધો છે.

ખોબો ભરીને મધમાખીઓ મોંમાં ભરે છે આ ભાઈ પશ્ચિમ બંગાળના ચંદ્રમૌનીપુર ગામમાં રહેતો સુક મહમ્મદ દલાલ નામનો ૩૨ વર્ષનો યુવક છેલ્લાં ૧૬ વર્ષથી મધમાખી ઉછેરનું કામ કરે છે. મધપૂડામાંથી મધ કાઢવાના કામમાં માહેર એવા સુક મહમ્મદનું કહેવું છે કે તેને હવે મધમાખીના ડંખની કોઈ અસર નથી થતી. તેનું શરીર હવે મધમાખીના ડંખના ઝેરને પચાવી જાય છે. મધમાખીઓથી બણબણતા મધપૂડાની સાથે તે જાતજાતના સ્ટન્ટ કરી બતાવે છે.

પહેલાં તે એક મધપૂડામાં વચ્ચે કાણું પાડે છે અને પછી ચોતરફ મધમાખીઓ બણબણતી હોય ત્યારે જ એમાં માથું ઘુસાડે છે. આટલું ઓછું હોય એમ મધમાખીઓ સામે મોં ખોલીને ઊભાે રહી જાય છે. કેટલીક માખીઓ મોંમાં જાય છે એટલે મધપૂડામાંથી ખોબો ભરીને માખીઓ ઉઠાવે છે અને મોંમાં ઠૂંસે છે. મોં આખું મધમાખીઓથી ભરાઇ જાય છે અને છતાં સુક મહમ્મદના ચહેરા પર પીડાની એક લકીર નથી જોવા મળતી. ખોબામાં વધેલી મધમાખીઓ ભાઈસાહેબ પોતાની ગંજીમાં નાખી દે છે.

You might also like