2019માં ધોરણ-10 અને 12ની પરીક્ષામાં OMR સિસ્ટમ નાબૂદ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાંથી હવે ઓએમઆર સિસ્ટમ નીકળી જવાની શક્યતા છે.

વર્ષ ૨૦૧૯થી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ એનસીઇઆરટીનો અભ્યાસક્રમ લાગુ કરી દેવાશે. તેથી વર્ષ ૨૦૧૯ની પરીક્ષામાં ધોરણ-૧૦ અને ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે સીબીએસઇ પેટર્ન લાગુ પડશે. મુખ્ય વાત એ છે કે સીબીએસઇ પેટર્નથી લેવાતી બોર્ડની પરીક્ષામાં ઓએમઆર પ્રશ્નો હોતા નથી. તેથી જો સીબીએસઇ પેટર્ન લાગુ થાય ત્યારે પરીક્ષા પદ્ધતિ પણ બદલવી પડે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ (GSHSEB)નાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે બોર્ડ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ પાસે આ બાબતે વિગતવાર પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે. શિક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

ટૂંક સમયમાં જ આ બાબતે નિર્ણય લેવાઇ જશે. અત્યાર સુધી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં ૫૦ માર્ક્સના ઓએમઆર પ્રશ્નો પુછાઇ રહ્યા છે અને ૫૦ માર્ક્સના વિસ્તૃત પ્રશ્નો પુછાય છે, પરંતુ હવે આવતા વર્ષથી ધોરણ-૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સીબીએસસી પેટર્ન લાગુ પડશે, તેમાં ઓએમઆર સિસ્ટમ નથી.

You might also like