ન્યૂયોર્કના એરપોર્ટ પર ઓમર અબ્દુલ્લાને બે કલાક રોકી રખાયા

ન્યૂયોર્ક: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાને ન્યૂયોર્કના એરપોર્ટ પર અટકાવી બે કલાક સેકન્ડરી સ્તરની તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ અંગે ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે તેઓ જ્યારે પણ અમેરિકા આવે છે ત્યારે તેમની સાથે આવું વર્તન કરવામાં આવે છે. તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેવા ત્યાં ગયા હતા.

આ અંગે એરપોર્ટ પરથી અનેકવાર ટિવટ કરી ઓમર અબ્દુલ્લાએ આ બાબતે તપાસ કરવા અંગે જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે તપાસ માટેના એરિયામાં બે કલાક વિતાવ્યા હતા. તેમણે જણાવ્યું કે આવું તેમની સાથે ત્રીજી વખત થયું છે. અમેરિકન અધિકારીઓએ તેમની આકસ્મિક સેકન્ડરી તપાસ કરી હતી. તેમણે અમેરિકન અધિકારીઓ દ્વારા જે રીતે તેમની તપાસ કરવામાં આવી હતી તે અંગે જણાવ્યું હતું કે આવી હેરાનગતિનો સામનો કરવા કરતાં તેઓ આ કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા ન હોત તો વધુ સારું રહેત.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ રીતે થતી આકસ્મિક તપાસ ખૂબ કંટાળાજનક અને થકાવી દે તેવી હોય છે. આવું તેમની સાથે વારંવાર થતું હોવાથી તેઓ હવે કદાચ અમેરિકાની મુલાકાત લેવાનું શક્ય હશે ત્યાં સુધી ટાળશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઓગસ્ટમાં બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાનને પણ અમેરિકાના લોસ એંજલન્સ અરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેને પણ સાત વર્ષમાં આ રીતે ત્રણ વાર રોકવામાં આવ્યો હતો. તે વખતે શાહરૂખે પણ ટિવટ કરી આ બાબતે નારાજગી વ્યકત કરી હતી.

You might also like