ઓમ પુરી પાકિસ્તાન ફિલ્મ ‘એક્ટર ઇન લો’માં જોવા મળશે

મુંબઇ: બોલિવૂડના પીઢ અભિનેતા ઓમ પુરી ભારતીય ફિલ્મો બાદ હવે પાકિસ્તાનની ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ પાથરશે. ટુંક સમયમાં તેઓ એક પાકિસ્તાની ફિલ્મ ‘એક્ટર ઇન લો’માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ કરાચીમાં થઇ રહ્યું હતું. જે 31 ડિસેમ્બરે જ પૂર્ણ થઇ ગયું છે અને હવે ઓમ પુરી ભારત પરત ફર્યા છે.

ઓમ પુરીએ આ ફિલ્મ વિશે જણાવતાં કહ્યું કે, આ ફિલ્મની વાર્તા અસાધારણ છે. મને ફિલ્મની સ્ટોરી ગમી તેથી મેં આ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મારી પ્રથમ પાકિસ્તાની ફિલ્મ છે. મેં હમણાં જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને મને આ ફિલ્મમાં કામ કરીને ઘણો આનંદ આવ્યો.

ઓમ પુરીએ જણાવ્યું કે, મારી પાસે પ્રતિભાશાળી ટીમ હતી જેમણે શૂટિંગને પ્રોફેશનલ રીતે પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મ ‘બોલ’ અને ‘ખુદા કે લિયે’ શ્રેણીની ફિલ્મોમાંની એક છે. ઓમ પુરીને વધારે એક પાકિસ્તાની ફિલ્મનો પ્રસ્તાવ મળ્યો હતો. પરંતુ સમયની ઉણપને કારણે તેમણે ફિલ્મ માટે ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તે ફિલ્મની સ્ટોરી પણ સારી હતી.

You might also like