વર્ષ 1904 ઓલિમ્પિકઃ સેન્ટ લૂઇસ આયોજન પહેલી વાર યુરોપની બહાર થયું

૧૯૦૪ના ઓલિમ્પિક મહોત્સવનું પહેલી વાર યુરોપની બહાર આયોજન થયું. આ ઓલિમ્પિકનું મૂળ તો ૨૯ ઓગસ્ટ થી ૩ સપ્ટેમ્બર દરમિયાન આયોજન કરાયું હતું, પરંતુ વિસ્તૃત કાર્યક્રમ બાદ આ આયોજન લગભગ સાડા ચાર મહિના સુધી એટલે કે ૧ જુલાઈ થી ૨૩ નવેમ્બર સુધી ચાલ્યું. પહેલાં આ રમતોત્સવ શિકાગોમાં યોજાવાનો હતો, પરંતુ સેન્ટ લૂઇસના આયોજકો આ જ સમય દરમિયાન ખુદની આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા હતા.

એ સમયે પેરી ડી કુર્બેટિને ઓલિમ્પિકની યજમાની સેન્ટ લૂઇસને સોંપી દીધી. ભારતીય દળે એ ઓલિમ્પિકમાં ભાગ નહોતો લીધો. આ આયોજન મહદંશે વર્ષ ૧૯૦૦માં પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિક જેવું જ રહ્યું. સ્પર્ધા થોડી ઓછી કરી નાખવામાં આવી. આયોજન સમિતિના પ્રમુખ ડેવિડ આર. ફ્રાન્સિસે કોઈને પણ ઉદ્ઘાટન સમારંભ માટે આમંત્રિત ના કર્યા, પરંતુ અંતિમ સમયે તેઓ ખુદ જ શુભારંભ માટે ઊભા થઈ ગયા. એમાં ઓલિમ્પિક રમતો ઉપરાંત અન્ય રમતોનું પણ આયોજન કરાયું.

બાદમાં આઇઓસીએ જાહેરાત કરી કે આયોજનમાં ૯૪ સ્પર્ધા ઓલિમ્પિક અંતર્ગત હતી, જેમાં ૧૨ દેશના ૬૫૧ એથ્લીટ્સે ભાગ લીધો હતો, રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધના કારણે ટોચનો કોઈ એથ્લીટ સેન્ટ લૂઇસ ઓલિમ્પિકમાં સામેલ ન હોવાના કારણે અમેરિકન ચેમ્પિયનશિપ ઓલિમ્પિક રમતોત્સવ સાથે ભેળવી દેવાઈ. અમેરિકન જિમ્નાસ્ટ જ્યોર્જ એસેરે ડાબો પગ લાકડાનો હોવા છતાં છ મેડલ જીતીને બધાંનું ધ્યાન ખેંચ્યું હતું.

You might also like