પાણીમાં રહીને માઇકલ ફેલ્પ્સ સાથે હરીફાઈ ન કરાય

તમે કોઈ ચીજ કે લક્ષ્યાંક માટે મર્યાદા બાંધી શકો નહીં, તમે જેટલાં સ્વપ્ન નિહાળશો તેટલાં જ સાકાર થતાં જશે. તમે કોઈ અડગ નિર્ધાર કરી લેશો તો આ દુનિયામાં કોઈ કાર્ય અશક્ય નથી. આ બધી વાતો આપણે વર્ષોથી વાંચતા કે સાંભળતા આવ્યા છીએ, અને એ વખતે એમ લાગે કે આ તો માત્ર પુસ્તકમાં સારું લાગે, પરંતુ જ્યારે આ વાત સાક્ષાત માઇકલ ફેલ્પ્સ કરતો હોય ત્યારે તેના વિશે વિચારવાનું ચોક્કસ મન થાય અને શક્ય હોય તો અમલ કરવાનો પણ વિચાર આવે.

ઘણા રમતવીરની સિદ્ધિઓને જોઈને એમ થાય કે આ માનવી નથી. ખરેખર ઘણા લોકો માનવીની વ્યાખ્યાથી પર થઈ જતા હોય છે. ક્રિકેટમાં સચિન તેંડુલકર છે કે સ્પ્રિન્ટમાં યુસૈન બોલ્ટ અને સ્વિમિંગમાં માઇકલ ફેલ્પ્સ. આ તમામની સિદ્ધિઓ કોઈ સામાન્ય માનવી માટે અશક્ય લાગે, પરંતુ તેમણે આ કરિશ્મા કરી દેખાડ્યો છે.

રિયો ઓલિમ્પિક્સમાં માઇકલ ફેલ્પ્સે આ વખતે પણ સોનાનો વરસાદ વરસાવ્યો છે. કોઈ એક દેશ વર્ષોમાં ન કરી શકે તે કામ તેણે એકલાએ કરી દેખાડ્યું છે.

ભારતે ૧૯૦૦ની સાલમાં પહેલીવાર ઓલિમ્પિક્સમાં ભાગ લીધો અને અત્યાર સુધીમાં (આ લખાય છે ત્યાં સુધીમાં) દેશના તમામ મોખરાના રમતવીરોએ મળીને જેટલા મેડલ જીત્યા નથી તેટલાં કે તેનાથી વધારે મેડલ આ કાળા માથાના માનવીએ એકલાએ જીત્યા છે. ભારતીય રમતવીરો કે દેશને નીચા દેખાડવાનો પ્રયાસ નથી, પરંતુ હકીકત એ છે કે રિયો ગેમ્સમાં ૨૦૦થી વધારે દેશ ભાગ લઈ રહ્યા છે અને તેમાંથી માત્ર ૩૨ દેશને બાદ કરીએ તો બાકીના તમામ દેશે ઇતિહાસમાં જીતેલા કુલ મેડલ કરતાં વધુ મેડલ એકલો માઇકલ ફેલ્પ્સ જીતી ગયો છે.

બીજી રીતે કહીએ તો એવા ૧૬૮ દેશ છે જેમના મેડલની કુલ સંખ્યા કરતાં માઇકલ ફેલ્પ્સના મેડલની સંખ્યા વધારે છે. અહીં જે તે દેશની ટીકા કરવાને બદલે વિશ્વના દંતકથા સમાન બની ગયેલા અમેરિકન સ્વિમરને બિરદાવવાની વાત છે.

સ્વિમિંગમાં માઇકલ ફેલ્પ્સની ઈજારાશાહી થઈ ગઈ છે. પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર ના કરાય તેવી આપણે ત્યાં કહેવત છે, પરંતુ જ્યાં સુધી ઓલિમ્પિક્સનો સવાલ છે ત્યાં સુધી આ કહેવતમાં સુધારો કરીને મગરમચ્છને સ્થાને માઇકલ ફેલ્પ્સનું નામ મૂકવું પડે.

આ વખતે તેણે ૨૦૦ મીટર વ્યક્તિગત મિડલેમાં એક મિનિટ અને ૫૪.૬૬ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. આ ઇવેન્ટમાં અગાઉ તે ૨૦૦૪, ૨૦૦૮ અને ૨૦૧૨માં પણ ગોલ્ડ જીતી ચૂક્યો હતો. આમ એક જ ઇવેન્ટમાં સળંગ ચાર ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારો તે વિશ્વનો એકમાત્ર સ્પર્ધક છે. અન્ય કોઈ પણ રમતમાં કોઈ ખેલાડીએ આવી સિદ્ધિ હાંસલ કરી નથી.

કોઈ ટીમે આવી ઈજારાશાહી સ્થાપી હોઈ શકે (જેમ કે ભારતે હોકીમાં આઠ ગોલ્ડ જીત્યા હતા) પરંતુ કોઈ માનવીએ દર ચાર વર્ષે એક જ પ્રકારની ઇવેન્ટમાં દર વખતે ગોલ્ડ જ જીત્યો હોય તે લગભગ અશક્ય કહી શકાય અને માઇકલ ફેલ્પ્સ આમ કરી શકે છે તેથી જ તો તેણે દુનિયામાં કોઈ કાર્ય અશક્ય નથી તેમ કહ્યું છે. કદાચ માઇકલ ફેલ્પ્સે પણ તેના લક્ષ્યાંક નક્કી કરવામાં કોઈ મર્યાદા બાંધી નહીં હોય અને બસ પાણીમાંથી સોનુ ખેડી કાઢવાનું હોય તેમ મચી પડ્યો છે.

માઇકલ ફેલ્પ્સની આથી પણ મોટી સિદ્ધિ તો એ છે કે તે એકમાત્ર સ્વિમર છે જેણે ચાર અલગ અલગ ઓલિમ્પિક્સમાં કમસે કમ ત્રણ ગોલ્ડ મેડલ તો જીત્યા જ છે. માઇકલ ફેલ્પ્સ કોઈ માનવી નથી, પણ મશીન છે તેવી શંકા સાથે તેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને તેમાં કાંઈ અજુગતું લાગ્યું હોય તો તે તેના પગની સાઇઝ. સામાન્ય માનવી કરતાં તેના પગના પંજા થોડા લાંબા છે, પરંતુ તે પણ સાવ અસામાન્ય તો નથી.

હકીકતમાં તેણે બાળપણથી જ સ્વિમિંગમાં હદ વિનાની પ્રેક્ટિસ કરી છે. તે સ્વિમિંગ પુલમાં પડે અને પછી જે ઝડપથી તરવાની શરૂઆત કરે છે તે જોવું આહલાદક છે. માછલીની માફક તેનાં પગ આગળ ધપે છે. ૧.૯૩ મીટરની લંબાઈ ધરાવતો ફેલ્પ્સ ૫૦ મીટરનું અંતર પળવારમાં ભેદી નાખે છે, જેમ કોઈ પક્ષી અમુક ઊંચાઈએ ગયા પછી જાણે હવામાં ઓગળી જતું હોય તેમ દેખાય છે તેવી રીતે એકાદ લેન્થ બાદ ફેલ્પ્સ જાણે પાણીમાં ઓગળી ગયો હોય તેવું લાગતું હોય છે.

માઇકલ ફેલ્પ્સની અન્ય એક ખાસિયત એ છે કે તે કોઈ એકાદ સ્ટાઇલમાં જ માસ્ટર નથી. તે બટરફ્લાય હોય કે ફ્રી સ્ટાઇલ કે બેકસ્ટ્રોક કોઈ પણ સ્ટાઇલમાં અવ્વલ છે અને તેથી જ તેને ખરા અર્થમાં ચેમ્પિયન કહી શકાય.

રાજ

You might also like