112 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ગોલ્ફઃ ભારત પહેલી વાર સામેલ

નવી દિલ્હીઃ ભારતના ગોલ્ફર અનિર્બાન લાહિરી, એસએસપી ચોરસિયા અને આદિતી અશોક રિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ૧૧૨ વર્ષ બાદ ગોલ્ફની રમતને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. રિયોમાં સામેલ થવાની અંતિમ તારીખ ૧૧ જુલાઈ હતી, ત્યાર બાદ લાહિરી અને ચોરસિયાએ આંતરરાષ્ટ્રીય ગોલ્ફ મહાસંઘ (આઇજીએફ)ની રેન્કિંગમાં ક્રમશઃ ૨૦મા અને ૪૫મા સ્થાન પર રહીને પ્રવેશ મેળવ્યો છે. ટોચના ૬૦ ગોલ્ફર રિયોમાં રમશે. ૧૮ વર્ષની અદિ‌િતએ મહિલાઓમાં ૫૭મા નંબર પર રહીને ઓલિમ્પિકની ટિકિટ હાંસલ કરી છે.

અત્યાર સુધી પાંચ દેશ જ ગોલ્ફ રમ્યા છે
ઓલિમ્પિકમાં ગોલ્ફની રમત પહેલી વાર વર્ષ ૧૯૦૦માં રમાઈ હતી, જેમાં ચાર દેશ (અમેરિકાના ચાર, ગ્રીસનો એક, બ્રિટનના ચાર, ફ્રાંસના નવ)ના ૧૨ પુરુષ અને ૧૦ મહિલા ગોલ્ફર હતા. ૧૯૦૪માં બે દેશ (અમેરિકાના ૭૪, કેનેડાના ત્રણ)ના કુલ ૭૭ ગોલ્ફર હતા, પરંતુ એક પણ મહિલા નહોતી. આલ્બર્ટ લેમ્બર્ટ (અમેરિકા) એકમાત્ર ગોલ્ફર રહ્યો છે, જે બંને ઓલિમ્પિકમાં રમ્યો છે.

એશિયાનો નંબર વન ગોલ્ફર લાહિરી (વર્લ્ડ રેન્કિંગ ૬૨) અને વર્તમાન ઓલ ઇન્ડિયન ઓપન ચોરસિયા (વર્લ્ડ રેન્કિંગ ૨૦૭) આઇજીએફની રેન્કિંગમાં ૨૦મા અને ૪૫મા સ્થાન પર છે. આ બંનેએ રિયો ઓલિમ્પિકમાં રમનારા ૬૦ ગોલ્ફરમાં સ્થાન મેળવી લીધું છે. પુરુષોની ગોલ્ફ સ્પર્ધા ૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ઓલિમ્પિક ગોલ્ફ કોર્સ પર રમાશે.

લાહિરીએ કહ્યું, ”ઓલિમ્પિકમાં અનિર્બાન લાહિરી સાંભળવામાં સારું લાગે છે, પરંતુ ઓલિમ્પિક મેડલ વિજેતા અનિર્બાન લાહિરી સાંભળવું વધુ સારું લાગશે.” લાહિરીએ ૨૦૧૫માં યુરોપિયન ટૂર પર બે જીત હાંસલ કરી હતી અને પીજીએ ચેમ્પિયનશિપમાં સંયુક્તરૂપે પાંચમા સ્થાન પર રહ્યો હતો. ગત વર્ષે તેણે પ્રેસિડેન્ટ કપમાં આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવનારો પહેલાે ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો.”

You might also like