સૂર્યની રોશનીથી ઓલિમ્પિકની મશાલ પ્રજ્વલિત કરવામાં આવી

ઓલિમ્પિયા (ગ્રીસ): પ્રાચીન ઓલિમ્પિકના આયોજન સ્થળ ઓલિમ્પિયામાં ગઈ કાલે પરંપરાગત રીતે મશાલ પ્રજ્વલિત કરવામાં આવી. આની સાથે જ રિયો ઓલિમ્પિક મહોત્સવનું સત્તાવાર રીતે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. સ્થાનિક એક્ટ્રેસે મહિલા પૂજારીની વેશભૂષામાં હેરા મંદિરમાં સૂર્યની રોશનીથી મશાલ પ્રજ્વલિત કરી. આ પરંપરા ૮૦ વર્ષ જૂની છે.
વિશ્વ ચેમ્પિયન ગ્રીન જિમ્નાસ્ટ લેફટેરિસ પેટ્રોઉનિયાસે સૌથી પહેલાં મશાલને હાથમાં લીધી. ત્યાર બાદ બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન બ્રાઝિલના વોલીબોલ ખેલાડી જિયોવેન ગૈવિયોએ પોતાના હાથમાં મશાલ પકડી હતી. ઓલિમ્પિક મશાલ સૌથી પહેલાં ગ્રીસનો પ્રવાસ કરશે.

એ દરમિયાન એક શરણાર્થી પણ મશાલ લઈને દોડશે. ઓલિમ્પિક આયોજન દેશ બ્રાઝિલને ૨૭ એપ્રિલે એથેન્સમાં મશાલ અપાશ, જ્યાં પહેલાં સૌથી પહેલા આધુનિક ઓલિમ્પિકનું આયોજન થયું હતું. બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં તા. ૩ મેથી મશાલ પોતાનો પ્રવાસ શરૂ કરશે. પોતાના પ્રવાસ દરમિયાન મશાલ દુનિયાનાં ૩૦૦ શહેરોની સફર કરશે. ૧૨ હજાર એથ્લીટોના હાથમાંથી પસાર થઈને મશાલ ઉદ્ઘાટન સમારોહવાળા દિવસે બ્રાઝિલના શહેર રિયો પહોંચશે.

જોકે દક્ષિણ અમેરિકામાં યોજાનારા આ પહેલા ઓલિમ્પિક રમતોત્સવની તૈયારીઓમાં આયોજકોને નાણાંની તંગી અને દેશમાં ચાલી રહેલી મંદીને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

You might also like