ભૂખમરાને કારણે સ્ટાર ઓલિમ્પિયને રૂ. ૨.૨૨ કરોડમાં મેડલ વેચી નાખ્યા

ન્યૂયોર્કઃ ખરાબ દિવસો શું કરાવી દે છે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે એક ખેલાડીએ પોતાના જીવનની સૌથી કીમતી વસ્તુને પણ વેચી નાખી. અહીં વાત થઈ રહે છે ૧૯૭૨ના મ્યુનિચ ઓલિમ્પિકના જિમનાસ્ટિક્સમાં ધમાકો કરનારી રશિયાની ઓલ્ગા કોરબુતની, જેણે પોતાના મેડલ અને અન્ય ટ્રોફીઓ વેચી નાખી છે. ૬૧ વર્ષીય ઓલ્ગા અર્થિક તંગીનો સામનો કરી રહી હતી અને તેની પાસે ખાવાના પણ પૈસા નહોતા.

ભૂતપૂર્વ સોવિયેત જિમનાસ્ટ ઓલ્ગાએ મ્યુનિચ ઓલિમ્પિકમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને તરખાટ મચાવી દીધો હતો. ઓલ્ગાના કુલ ૩૨ મેડલ અને ટ્રોફીઓ હરાજીમાં વેચાઈ, જેમાંથી ઓલ્ગાને રૂ. ૨.૨૨ કરોડની કમાણી થઈ. હરાજી ગત ૨૫ ફેબ્રુઆરીએ અમેરિકામાં યોજાઈ હતી. હરાજીમાં તેણે ૧૯૭૨નો બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ પણ વેચી નાખ્યો. મૂળ બેલારૂસની ઓલ્ગા ખુદ હવે અમેરિકાના ઓરિજોનામાં સ્થાયી થઈ છે. તે ૧૯૯૧માં અમેરિકા આવી ગઈ હતી.

હેરિટેજ ઓક્શન હાઉસના પ્રવક્તા ક્રિસાઇવીએ જણાવ્યું કે, ”સૌથી મોંઘાં ભાવે તેનો ટીમ ગોલ્ડ મેડલ વેચાયો હતો, જેને ૬૬ હજાર ડોલર (લગભગ ૪૪ લાખ રૂપિયા)માં ખરીદવામાં આવ્યો હતો.” ૧૭ વર્ષની ઉંમરે ઓલ્ગાએ મ્યુનિચ ઓલિમ્પિક દ્વારા સમગ્ર દુનિયામાં પોતાની અનેરી છાપ છોડી હતી. તેણે પોતાની ટીમને બેલેન્સ બીમ અને ફ્લોર એક્સર્સાઇઝમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સાથે જ અનઇવન બાર સ્પર્ધામાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ચાર વર્ષ બાદ ઓલ્ગાએ મોન્ટ્રિયલ ઓલિમ્પિકમાં પણ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.

કોરબુતે ૧૯૭૮માં સોવિયેત સંઘના મશહૂર ફોક સિંગર લિયોનિડ બોર્ટકેવિચ સાથે લગ્ન કર્યાં હતાં. ૧૯૯૧માં સોવિયેત સંઘના પતન સાથે જ પતિ-પત્ની અમેરિકામાં વસી ગયા હતા. ઓલ્ગાને પુત્ર પણ છે, જેનું નામ રિચર્ડ છે.
http://sambhaavnews.com/

You might also like