અમરાઈવાડીમાં એકલા રહેતાં વૃદ્ધાનું શંકાસ્પદ મોત

અમદાવાદ, ગુરુવાર
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ગોપાલનગરના એક મકાનમાં આજે વહેલી સવારે એક વૃદ્ધ મહિલાની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વૃદ્ધાની લૂંટ માટે હત્યા કરાઇ હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા છે ત્યારે પોલીસ આ રહસ્યમય મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ હોવાની પણ લોકોમાં ચર્ચા છે. અમરાઇવાડી વિસ્તારમાં આવેલ ગોપાલનગરમાં રહેતા વૃદ્ધ કાન્તાબહેન પટેલના પતિના મોત બાદ તેઓ છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન જીવતાં હતાં. આજે વહેલી સવારે કાન્તાબહેનની લાશ તેમના ઘરની ચોકડીમાંથી મળી આવી હતી.

પાડોશમાં રહેતી મહિલા કાન્તાબહેનને મળવા માટે ગઇ હતી તે સમયે તેઓ જમીન પર પડ્યાં હતાં અને તેમના માથામાં વાગ્યું હોવાના નિશાન હતાં. કાન્તાબહેનને લોહીથી લથપથ હાલતમાં જોતાં મહિલાએ બુમાબુમ કરી મૂકી હતી જેના કારણે અડોશ પડોશના લોકો ભેગા થઇ ગયા હતા અને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને બોલાવી હતી.

૧૦૮ના કર્મચારીઓ કાન્તાબહેનને હોસ્પિટલ લેવા આવ્યા ત્યારે તેમનું મોત થઇ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓને પણ કાન્તાબહેનનાં મોતની જાણ થતાં તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કાન્તાબહેન એકલવાયું જીવન જીવતાં હતાં. આજે વહેલી સવારે તેમની લાશ મળી આવી હતી. કાન્તાબહેન કાનમાં સોનાની બુટ્ટી પહેરતા હતા. હાલ તેમના એક કાનમાંથી સોનાની બુટ્ટી ગાયબ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાતે કોઇ અજાણ્યા શખ્સોએ કાન્તાબહેનના માથામાં બોથડ પ્રદાર્થ વડે હુમલો કરીને તેમની હત્યા કર્યા બાદ સોનાની બુટ્ટી લૂંટી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. પરંતુ કાન્તાબહેનની લાશ જ્યાંથી મળી ત્યાં એક પાણી ભરવાનું માટલું તૂટેલી હાલતમાં મળી આવ્યું છે.

જેથી એક અંદાજ મુજબ પાણીનું માટલું ભરતી વખતે પણ કાન્તાબહેનનો પગ લપસતાં તેમનું મોત થયું હોઇ શકે છે. હાલ તો કાન્તાબહેનનાં રહસ્યમય મોત મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

You might also like