‘ટેન્શન મેં હૈ જમાના, કલ પહેલી તારીખ હૈ’

અમદાવાદ: વિખ્યાત ગાયક કિશોરકુમારની ૧૯પ૪માં આવેલી ફિલ્મ પહેલી તારીખનું ગીત ‘ખુશ હૈ જમાના, આજ પહેલી તારીખ હૈ’ બહુ જાણીતું છે. વર્ષોથી રેડિયો પર દરેક મહિનાની પહેલી તારીખે આ ગીત અચૂક વાગતું હતું. મહિનાની પહેલી તારીખ સામાન્ય રીતે પગારની તારીખ ગણાય છે અને પગારદાર વ્યક્તિ ખુશ હોય છે કે પગાર થશે, જોકે નોટબંધી પછીની પ્રથમ પગારની તારીખમાં લોકો ખુશ હોવાના બદલે ટેન્શનમાં છે, કેમ કે બેન્ક અને એટીએમમાં હજુ કેશની અછત છે. સરકારી તેમજ ખાનગી કર્મચારીઓના પગાર બેન્કમાં જમા થાય છે. પગાર તો થઇ જશે, પણ કેશ કેવી રીતે મળશે તેની લોકોમાં ચિંતા છે. ઘણા કર્મચારીઓના પગાર રોકડમાં થાય છે, જોકે કેશની અછતના કારણે મોટા ભાગની કંપનીઓએ રોકડમાં પગાર થાય છે તેવા કર્મચારીઓને ચેકથી પગાર આપવાનો નિર્ણય કર્યો છે.

નોટબંધીના રર દિવસ પછી બેન્ક પાસે પૂરતાં નાણાં નથી ત્યારે આવતી કાલે પગારની તારીખે ૩પ લાખ સરકારી, અર્ધસરકારી અને ખાનગી કર્મચારીઓના ૬ હજાર કરોડ બેન્કનાં ખાતામાં પગાર તરીકે જમા થયા પછી એકી સાથે તેઓ કેટલા રૂપિયા, ક્યારે ઉપાડી શકશે તે પ્રશ્ન હવે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

સચિવાલય ય‌ુનિયન દ્વારા આ મહિને સરકારી કર્મીઓને રોકડેથી પગાર ચૂકવવાની માગ કરાઇ હતી પરંતુ નાણાં વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ હજુ સુધી પગાર કે કેટલાકે ઉચ્ચક રોકડ રકમ આપવાની સૂચના તેમને મળી નથી.

કર્મચારી મહામંડળના પ્રમુખ કાર્તિક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે સરકાર પાસે પગારનો થોડો હિસ્સો રોકડમાં માંગ્યો છે. પરંતુ માગણી સ્વીકારના કોઇ સંકેત સરકારે આપ્યા નથી.પેન્શનરો માટે ખાસ કાઉન્ટર શરૂ કરવાની માંગ મહાગુજરાત બેન્ક એમ્પ્લોયમેન્ટ એસો.એ આરબીઆઇને કરી છે. ઉપરાંત પૈસાના ઉપાડ માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજુઆત કરાઇ છે.

http://sambhaavnews.com/

You might also like