જૂની નોટથી જંગી રકમ જમા કરાવનારા ખાતેદારો ITના નિશાન પર

અમદાવાદ: નોટબંધી દરમિયાન જેમણે બેન્ક ખાતાંમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જંગી નોટ જમા કરાવીને કાળું નાણું સફેદ કરવાનો પ્રયાસ કર્યો છે એવા કરોડપતિ માટે નવા વર્ષમાં ખરાબ િદવસોની શરૂઆત થઈ શકે છે. ઈન્કમટેક્સ વિભાગે એવા ૫૧,૦૦૦ ખાતાંની યાદી તૈયાર કરી છે. જેમાં ૮ નવેમ્બર બાદ રૂ. એક કરોડ કરતાં વધુ રકમની જૂની નોટ જમા થઈ છે. આ ઉપરાંત ઈન્કમટેક્સ વિભાગે ૧.૧૪ લાખ એવાં બેન્ક ખાતાંની યાદી તૈયાર કરી છે, જેમાં ૧૦ નવેમ્બરથી ૧૭ ડિસેમ્બર દરમિયાન પ્રત્યેક ખાતાંમાં રૂ. ૮૦ લાખથી વધુ જંગી રકમની જૂની નોટ જમા કરવામાં આવી છે.

ઈન્કમટેક્સ વિભાગે આવા લોકો વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરીને અત્યાર સુધીમાં ૫,૦૦૦ કરતાં વધુ લોકોને નોટિસ બજાવી દીધી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે નોટબંધી બાદ બેન્કમાં જેટલી રકમ જૂની નોટમાં જમા થઈ છે તેમાંથી રૂ. ચાર લાખ કરોડ અઘોષિત આવક હોવાનો અંદાજ છે અને એટલા માટે ઈન્કમટેક્સ વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) સહિત તમામ તપાસ સંસ્થાઓ કાળાં નાણાંને સફેદ કરનારા લોકોને ઝડપવામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ઈડી અત્યાર સુધીમાં ૧૮ લોકોની ધરપકડ કરી ચૂક્યું છે.

નાણાં મંત્રાલયના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગ બેન્ક પાસેથી જૂની નોટ જમા થવા અંગેનો દરરોજ અહેવાલ મેળવતો હતો. આ રિપોર્ટના વિશ્લેષણ બાદ એવા ૫૧,૦૦૦ બેન્ક ખાતાં ઝડપાયાં છે. જેમાં પ્રત્યેક ખાતામાં રૂ. એક એક કરોડ જૂની નોટમાં જમા થયા છે. આ પ્રકારનાં ખાતાંમાં કુલ રૂ. ૨.૧૩ લાખ કરોડ જમા થયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે ૧૦ નવેમ્બરથી ૧૭ ડિસેમ્બર દરમિયાન જેટલાં ખાતાંઓમાં જૂની નોટ જમા થઈ હતી તે પૈકી ૧.૧૪ લાખ ખાતાં એવાં હતાં જેમાં દરેકમાં રૂ. ૮૦ લાખથી વધુ રકમ જૂની નોટમાં જમા કરાવવામાં આવી હતી. આવાં ખાતાંમાં કુલ રૂ. ૩.૯૩ લાખ કરોડ જમા થયા હતા.

ઈન્કમટેક્સ વિભાગની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે નોટબંધી બાદ લોકોએ બંધ પડેલાં ખાતાંમાં પણ જૂની નોટ રૂપે જંગી રકમ જમા કરાવી હતી. ઈન્કમટેક્સ વિભાગે આવા ૧.૨૩ લાખ બેન્ક ખાતાં ઝડપી પાડ્યાં છે. જેમાં રૂ. બે લાખથી વધુ રકમની જૂની નોટ જમા થઈ છે. બે વર્ષથી બંધ પડેલાં આવાં ખાતાંમાં રૂ. ૧૫,૩૯૮ કરોડ જમા થયા છે અને આમ પ્રત્યેક ખાતામાં એવરેજ રૂ. ૧૨.૫ લાખ જમા થયા છે.
http://sambhaavnews.com/

You might also like