જૂની નોટોનો વહીવટ હજુ થાય છે? ૨.૫૭ કરોડ સાથે ૧૧ પકડાયા

અમદાવાદ: રૂ.પ૦૦ અને ૧૦૦૦ની નોટો ચલણમાંથી રદ કરાઇ હોવા છતાં હજુ પણ લોકો કમિશનની લાલચે પોતાની અને લોકોની નોટોને બદલાવવામાં લાગ્યા છે. વસ્ત્રાપુર પોલીસે ગત મોડી રાતે બે અલગ અલગ જગ્યાએથી ૧૧ લોકોને કુલ રૂ.ર.પ૭ કરોડની રદ કરાયેલી નોટો સાથે ઝડપી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી નોટો અને ચાર ગાડીઓ મળી કુલ રૂ.ર.૭૭ કરોડનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.પી. ઘરસં‌િઠયા અને પીએસઆઇ એમ.એ. વાઘેલાને બાતમી મળી હતી કે એસ.જી. હાઇવે પર થલતેજ સ્મશાનગૃહ પાસે કેટલાક શખસો કારમાં જૂની રદ થયેલી નોટો વટાવવા આવવાના છે, જેના આધારે પોલીસે થલતેજ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં એક ‌િસ્વફટ, એસયુવી અને અલ્ટો કાર આવી હતી, જેમાં શંકા જતાં પોલીસે તપાસ કરતાં થેલાઓમાંથી જૂની રૂ.પ૦૦ અને ૧૦૦૦ના દરની રદ થયેલી નોટો મળી આવી હતી. નોટો બાબતે પૂછપરછ કરતાં તેઓએ કોઇ જવાબ ન આપતાં તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેઓનાં નામ રૂપેશ પ્રફુલ્લચંદ્ર શાહ (રહે. બોધી એપાર્ટમેન્ટ, વેજલપુર), હસમુખભાઇ પટેલ (રહે. વૈકુંઠ-૧, વાઘોડિયા રોડ, વડોદરા), બળદેવભાઇ પટેલ (રહે. રામબાગ સોસાયટી, હિંમતનગર), મોઇનુદ્દીન ફારુકી (રહે. પાડા પોળ, પાટણ), સંજય પટેલ (રહે. ગામ-લાડોલ, વિજાપુર), વિરાજ ખટીક (રહે. આશાપુરીનગર, વડોદરા) અને અશોક રામજીભાઇ પટેલ (રહે. વૈકુંઠ-૧, વાઘોડિયા રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. સાતેય શખસો અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કમિશન પર તેઓ આ રદ થયેલી નોટોને વટાવવા માટે આવ્યા હતા. ૧પ ટકા કમિશનની લાલચે તેઓ આ નોટો વટાવવાના હતા.

દરમ્યાનમાં વસ્ત્રાપુર પોલીસને તે જ સમયે બાતમી મળી હતી કે આલ્ફા વન મોલ પાસેની સરકારી વસાહત રોડ પર ચાર યુવક અલ્ટો ગાડીમાં જૂની નોટો વટાવવા આવવાના છે, જેના આધારે પોલીસે વોચ વોઠવી અલ્ટો કારમાં આવેલા કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ (રહે. આઇટીઆઇ રોડ, ખેડબ્રહ્મા), નટવરસિંહ જગતસિંહ ચૌહાણ (રહે. ગઢડા, શામળાજી), નિકુલ સોની (રહે. દેવીનગર, ખેડબ્રહ્મા) અને કિશોર ગામેતી (રહે. સરકારી વસાહત ખેડબ્રહ્મા)ને ઝડપી લીધા હતા. પોલીસે કારમાંથી રૂ. ર૦ લાખની રૂ.પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટો કબજે કરી હતી. પોલીસે નોટ બાબતે પૂછપરછ કરતાં નોટો બીજી વ્યક્તિની હોવાનું જણાવ્યું હતું અને રૂ.પ૦૦૦ની લાલચે તેઓ વટાવવા આવ્યા હતાં.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.એ. વાઘેલાએ જણાવ્યું હતું કે તમામ આરોપીઓ કમિશન અને પ૦૦૦ રૂપિયાની લાલચમાં બીજાની નોટો વટાવવા આવ્યા હતા, જોકે આ પૈસા કોના છે તે અંગે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવશે. હાલમાં જાણવા જોગ નોંધ કરી તમામ રોકડ રકમ અને વાહનો કબજે કરવામાં આવ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like