મૈં ક્યા કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા…

ફિલ્મ ‘સંગમ’નું ગીત ‘મૈં ક્યા કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા’ જેવી પરિસ્થિતિનો સામનો લગભગ બોલિવૂડની દરેક યુવા અભિનેત્રીઓને કરવો જ પડે છે, કારણ કે બોલિવૂડમાં એવી અટપટી જોડીઓ બની છે કે જેમાં હીરો કરતાં હીરોઇનો અડધી ઉંમરની હોય છે. તાજેતરનું ઉદાહરણ લઇએ તો પ૦ની ઉંમર વટાવી ચૂકેલ શાહરુખખાન પોતાની આગામી ફિલ્મમાં તેની ઉમર કરતાં અડધી ઉંમરની આલિયા ભટ્ટ સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

sonaxi-n-rajaniદક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતે તો તેમનાથી ઓછી ઉંમરની હીરોઇનો સાથે કામ કરવાનો રેકોર્ડ જ બનાવી દીધો છે. ર૦૧૪માં આવેલી ફિલ્મ ‘લિંગા’માં રજનીકાંતની હીરોઇન સોનાક્ષી સિંહા ફક્ત ર૬ વર્ષની જ હતી, જ્યારે રજનીકાંત ૬૩ વર્ષનો થઇ ચૂક્યો છે. બોલિવૂડમાં તો આવી પરંપરાઓ ચાલતી જ હોય છે. વર્ષ ર૦૦૮માં આવેલી ફિલ્મ ‘ગજની’માં આમિરખાન પોતે ૪ર વટાવી ચૂક્યો હતો અને તેણે રર વર્ષીય આ‌િસન સાથે પોતાની જોડી બનાવી હતી. આ ચીલો ત્રણેય ખાનબંધુઓએ વધુ ચલાવ્યો. હમણાં હમણાં તો નિર્દેશકો ત્રણેય ખાનને ફિલ્મમાં લીધા બાદ તરત જ નવી હીરોઇનોની તપાસમાં લાગી જાય છે.

sunny-kangana2સલમાનખાનની થોડા સમય પહેલાં જ આવેલી ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં તેની હીરોઇન સોનમ કપૂર એક સમયે સલમાનને અંકલ કહીને બોલાવતી હતી. સલમાનની આગામી ફિલ્મ ‘સુલતાન’માં તેની સાથે તેનાથી અડધી ઉંમરની હીરોઇન અનુષ્કા શર્મા જોવા મળશે.  સની દેઓલ અને અજય દેવગણ જેવા હીરો પણ આમાં પાછળ નથી રહ્યા. સની ઘણીવાર પોતાની જોડી તેનાથી અડધી ઉમરની હીરોઇનો સાથે બનાવી ચૂક્યો છે, જેમ કે ‘ઘાયલ’ની સિક્વલમાં તેની હીરોઇન સોહા અલી ખાન હતી. ફિલ્મ ‘સિંઘ સાહેબ-ધ ગ્રેટ’માં તેની હીરોઇન ઉર્વશી રૌતેલા હતી, જેમાં ઉર્વશી માત્ર ૧૯ વર્ષની હતી અને સની પ૭ વર્ષનો હતો. આ જોડીનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી અટપટી જોડીઓમાં સમાવેશ થાય છે. સનીએ વધુ એક ડબ્બાબંધ ફિલ્મ અને ‘આઇ લવ ન્યૂ યર’માં પણ આવું જ કંઇક કર્યું હતું. ‘આઇ લવ ન્યૂ યર’માં તેની હીરોઇન કંગના રાણાવત હતી.

Policegiri2સંજય દત્ત ફિલ્મ ‘પોલીસગીરી’માં ર૯ વર્ષની પ્રાચી દેસાઇ સાથે જોવા મળ્યો હતો. ફિલ્મનાં જેટલાં પણ દૃશ્યમાં પ્રાચી અને સંજયે રોમાન્સ કરવાનો હતો તેમાં બંને વચ્ચેનું ઉંમરનું મોટું અંતર જોવા મળતું હતું. કેટલીક વાર તો પ્રાચી સંજયની છોકરી જેવી લાગતી હતી.  ‘જય હો’ ફિલ્મમાં સલમાન રપ વર્ષીય હીરોઇન ડેઝી શાહ સાથે જોવા મળ્યો હતો. ફિલ્મી પડદે આ જોડી હિટ ન રહી. સલમાનની ફિલ્મ ‘લકી નો ટાઇમ ફોર લવ’માં તેણે પોતાની જોડી તેનાથી રર વર્ષ નાની હીરોઇન સ્નેહા ઉલ્લાલ સાથે બનાવી હતી પણ ફિલ્મ તો હિટ ન રહી અને તેમની જોડી ફરી ક્યારેય જોવા મળી ન હતી. અનુષ્કા શર્માએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત પોતાનાથી ર૩ વર્ષ મોટા હીરો શાહરુખ સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી કરી હતી. દીપિકા પદુકોણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત તેનાથી ર૦ વર્ષ મોટા શાહરુખખાન સાથે ફિલ્મ ‘ઓમ શાં‌તિ ઓમ’થી કરી હતી. ‘કોકટેલ’ ફિલ્મમાં બંને હીરોઇનો સૈફ અલી ખાનથી ઉંમરમાં ઘણી નાની હતી. સૈફ અને દીપિકા વચ્ચે ૧પ વર્ષનું અંતર છે, પણ ફિલ્મમાં આ અંતર દેખાતું ન હતું.

‘હાઉસફુલ-ર’માં અક્ષયકુમાર અસિન સાથે જોવા મળ્યો હતો. બંને વચ્ચે ૧૮ વર્ષનું અંતર હતું, પરંતુુ આ જોડી ફરી વાર ‘ખિલાડી ૭૮૬’માં પણ જોવા મળી હતી. ‘હિમ્મતવાલા’ ફિલ્મમાં અજય દેવગણ પોતાની ઉંમર કરતાં અડધી ઉંમરની હીરોઇન તમન્ના સાથે જોવા મળ્યો હતો. ફિલ્મી પડદે આ અંતર સ્પષ્ટ દેખાતું હતું. રજનીકાંત ‘કોચડિયાન’ ફિલ્મમાં દીપિકા પદુકોણ સાથે જોવા મળ્યો હતો. બંને વચ્ચે ઉંમરનું અંતર ૩પ વર્ષનું હતું.  જ્યારે ર૦૧૪માં આવેલી ફિલ્મ ‘એક્શન જેક્સન’માં અજય દેવગણ પોતે ૪૪ વર્ષનો હતો, જ્યારે તેની હીરોઇન યામી ગૌતમ રપ વર્ષની અને સોનાક્ષી ર૬ વર્ષની હતી. તે આ બંને હીરોઇન સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો.

You might also like