વાડજ-રખિયાલમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધ અને કોલેજિયન યુવકનું મોત

અમદાવાદ: શહેરમાં બેફામ ગતિઅે વાહન ચલાવી અને અકસ્માતના કિસ્સાઅોમાં ઘટાડો થવાની જગ્યાઅે સતત વધારો થઈ રહ્યો છે. ગઇ કાલે જૂના વાડજ અને ગોમતીપુર વિસ્તારમાં બે અકસ્માતના બનાવોમાં કોલેજિયન યુવક સહિત બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જૂના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા નજીક અાવેલા નવદુર્ગામાની ચાલીમાં રહેતા જીતુભાઈ સોલંકી ગઈ કાલે રામપીરના ટેકરાથી ચાલતાં ચાલતાં બીઅારટીઅેસ બસમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ક્રોસ કરવા જતા રામપીરના ટેકરા તરફ પુટપાટ ઝડપે એક રિક્ષાચાલક અાવ્યો હતો.

રિક્ષાને થોભવા માટે હાથ બતાવ્યો હોવા છતાં પણ રિક્ષા ચાલકે બેફામ ગતિઅે રિક્ષા ચલાવી અને જીતુભાઈના પિતા કાંતિભાઈને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં કાંતિભાઈ ઊછળીને જમીન પર પટકાયા હતા અને તેમને માથામાં ગંભીર ઇજાઅો પહોંચી હતી. રિક્ષાચાલકની રિક્ષા પણ પલટી ગઈ હતી.

રિક્ષાચાલકને પણ ગંભીર ઇજાઅો પહોંચી હતી. બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યા હતા જ્યાં કાંતિભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષાચાલકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રિક્ષાચાલકની પૂછપરછ કરતાં તેનું નામ દિનેશ ચંદુભાઈ ચૌધરી (રહે. દૂધનાથ મહાદેવની ચાલી) હોવાનું જણાવ્યું હતું. વાડજ પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં ગોમતીપુર વિસ્તારમાં અાવેલા સત્યમ્ ફ્લેટમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો જતીન પરમાર ગઈકાલે સાંજે એક્ટિવા પર રોડ ક્રોસ કરતાં પૂરપાટ ઝડપે અાવેલા એક ડમ્પર ચાલકે જતીનના એક્ટિવાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જતીન નીચે પટકાયો હતો અને તેના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું અને જતીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

You might also like