નિવૃત્ત થઈએ ત્યારે ખબર પડે કે આપણને ઘરમાં રહેતા તો આવડતું જ નથી…

આખી જિંદગી નોકરી કે વ્યાપાર કરીને ઘરનો મોભ બનેલી વ્યક્તિ જ્યારે નિવૃત્ત થવા આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે, તેમની નિવૃત્તિ એક એવો અવસર છે કે જેની ઘરમાં કોઈને પ્રતિક્ષા નથી. રેલવે સ્ટેશનો વચ્ચે દોડતી ટ્રેનોએ પણ યાર્ડમાં જવાનું હોય છે. દોડતા લોકો માટે યાર્ડ બહુ સુંદર શબ્દ છે. નિવૃત્તિ એક પ્રકારનું અનંતકાલીન લાંબુ વેકેશન છે. આખી જિંદગી કેલેન્ડરમાં રજાઓ શોધવા ને લાલ આંકડાઓ જોઈને લીલોછમ અનુભવ કરતી આંખોને જ્યારે એકાએક કેલેન્ડરનું આખું પાનું લાલ આંકડાઓથી છલકાતું દેખાય ત્યારે કેવો અનુભવ થાય? સ્વાભાવિક છે કે, એમને જિંદગી ગુલાબી લાગે. પણ એમને જે રંગ ગુલાબી લાગે છે તે આખા પરિવારને પણ લાગે છે ખરો ?

કદાચ હા અને કદાચ ના. અહીંની હા અને ના વચ્ચે આપણા આખા સમાજનું એક અવ્યક્ત ચિત્ર છૂપાયેલું છે. થોડાં દિવસો તો બધું બરાબર ચાલે છે. એ જ જૂની વાતોનો મેળાવડો. ઘરમાં કોઈ આવે તો પૂછે છે – અરે યાર, રિટાયર્ડ થઈ ગયા? અઠ્ઠાવન પૂરા એમને ? પછી એ ચતુર આગંતુક ઘરના દરેક સભ્યના ચહેરા તરફ જૂએ છે. દરેકના ચહેરા પર જુદી જુદી મોસમનું વાદળ હોય છે. જો આગંતુક સાવ અંગત હોય તો કહી દે છે- ઘરનાને ન ગમતું હોય તો અમારે ઘેર આવી જજો. વધારામાં કહે- આજકાલ દરેક ઘરમાં ફર્નિચર માટે બહુ જગ્યા હોય છે પણ માણસ માટે? વિચારવું પડે.

જેમની પાસે પોતાની નિવૃત્તિનું આયોજન અને ફાઈનાન્સ બે વસ્તુ નથી એમને આ જગત કોઈ પણ રીતે નિવૃત્ત થવા દેતું નથી. એમને વ્યસ્ત રાખનારી સામગ્રી સહુ પ્રોવાઈડ કરી શકે છે. એટલે જિંદગીના પરમ રસાયણરૂપ આયોજન અને ફાઈનાન્સની વિચારધારાઓ સમજીને જેઓ અમલી બનાવી શક્યા નથી એમણે ન જોવાનું સ્વપ્ન છે- નિવૃત્તિ. નિવૃત્તિ એક અધિકાર છે, પણ એને ભોગવવા માટે કર્તવ્યોની લાંબી યાદી છે. એમાંથી જેટલા કર્તવ્યો ચૂકી જવાય, એને તત્ક્ષણ તો માફ કરી દેવામાં આવે, પણ નિવૃત્તિ વખતે ચૂકી જનારે એકલાએ ભોગવવાના આવે. આખી જિંદગી સહુને મીઠો આવકારો આપ્યો હોય કે પારકાને પોતાના કરીને ભણાવ્યા-ગણાવ્યા હોય તોય એજ બધા તરફથી ઢળતી સંધ્યાએ આવકારો મળવો હોય તો મળે, નહિંતર ન યે મળે. ક્યાંક પ્રસંગોમાં બે સખીઓ લગ્નોત્તર યુગમાં મળી હોય તો તેમાંથી કોઈ એક કહે – મારા સસરા હમણાં જ નિવૃત્ત થયા, આખો દિવસ ઘેરના ઘેર. હવે તું જ કહે- હું નિરાંતથી તને ક્યારે ફોન કરું? એ વળી બહારનું કશું ખાતા નથી, એટલે મારે એમની રસોઈ તો બનાવવી જ પડે.

આ અને આવી અનેક દિશાએથી નિવૃત્તિના પડઘા સંભળાવા લાગે છે. આખરે એક દિવસ શ્રીમતી પણ કહી જ દે છે- કામ કરતા રહેવાથી આરોગ્ય બહું સારું રહે છે. આ એક વાક્યમાં જે બાકી હતા તે બધા ઉપનિષદો આવી જાય છે. આખરે જીવનસંગિનીના કહેવાથી એકડે એકથી કંઈક કામ શોધવાની શરૂઆત થાય છે. ઘરમાં પોતે મોસ્ટ અનવોન્ટેડ એલિમેન્ટ હોવાનો ભાસ થાય છે. પણ ખરેખર જેઓ પુરુષની વ્યાખ્યામાં આવતા હોય એ લોકો આ ક્ષણને હસતાં હસતાં ગટગટાવીને પી જાય છે. આવા સંખ્યાબંધ ગુજરાતી ગૃહસ્થો આપણા સમાજમાં આજકાલ જોવા મળે છે, તેઓ કોઈ સંતથી પણ અધિક આદરપાત્ર લોકો છે.

વળી બધા નિવૃત્ત લોકો બાજોઠે બેસાડીને પૂજવા જેવા હોતા નથી. તેઓ આખી જિંદગી એટલું બધું બહાર ભટક્યા હોય છે કે તેમને ઘરમાં રહેતા આવડતું હોતું નથી. તેઓનું મન નિવૃત્તિ પછી પણ તેમના શરીરને બહાર જવા ધક્કા મારતું હોય છે. તેઓને પોતાને પણ ભાન તો થાય જ છે કે તેઓનામાં હોવી જોઈએ તેવી હોમ ફિટનેસ નથી. ઘર દરેક વ્યક્તિની અંગત સ્વતંત્રતાનું સ્વર્ગ છે આ વાત જો ઘરનો મોભી ભૂલી જાય તો એણે સહન કરવાનું આવે છે. ક્યારેક ઘરની વાત બારી બહાર પણ જતી રહે છે. અમારા જમાનામાં- થી શરૂ થતા વાક્યોનો ધોધ ઝીલવા હવે આ પૃથ્વી પર કોઈ તૈયાર નથી, કારણ કે, છેલ્લા પાંચ હજાર વરસમાં કાચબા ગતિએ જમાનો આગળ ચાલ્યા પછી છેલ્લા પચાસ વરસમાં જેટગતિએ આગળ વધ્યો છે. એટીએમ નાણાં ઉપાડ પ્રણાલિકાની શરૂઆતને પચાસ વરસ પૂરા થઈ ગયા છે. છતાં સેલ્ફના ચેકનું જંગલ બેન્કોમાં જોવા મળે છે. તમે પ્રવૃત્ત હો ત્યારે જ તમારે સમયથી સહેજ આગળ ચાલી લેવાનું હોય છે. એડવાન્સ ન હોય તેઓને આ જગત શા માટે સ્વીકારે. આપણું ઘર પણ આ જગતમાં જ આવેલું છે, એની બહાર અંતરીક્ષમાં નથી.

પહેલી વાત તો એ છે કે ઘર કોઈ હોટલ નથી, નથી અહીં કોઈ મૅનેજર કે વેઈટર. ઘર સદાય વ્યવસ્થિત ન હોય. સતત અવ્યવસ્થિત થઈ જતું ને ફરી ફરી ગોઠવતા રહેવું પડે એ ઘર છે અને નિવૃત્ત લોકો જો પોતાની જિંદગીમાં અઢળક કમાયા હોય તો તેમણે હોટલમાં રહેવાનું સાહસ કરવું જોઈએ. પશ્ચિમના દેશોમાં અનેક લોકોની અવસાન નોંધમાં એવો ઉલ્લેખ આવે છે કે તેઓ છેલ્લા કેટલાક વરસોથી હોટલમાં રહેતા હતા. નિવૃત્ત લોકો બહુ જ સારા એડવોકેટ બની ગયા હોય છે. તેઓ પોતાને સાચા પુરવાર કરવામાં એટલા એક્કા હોય છે કે નિર્દોષ સંતાનોને વાંકમાં લઈ લેતા તેમને એક જ ક્ષણ લાગે છે. તેમની આ ફાવટ જ તેમની ઉત્તરાવસ્થાને ઉપેક્ષિત અવદશા તરફ લઈ જાય છે.

સ્ત્રી નોકરિયાતો પણ છે. તેઓ પણ નિવૃત્ત થાય છે. ઘર તેમને તુરત જ સ્વીકારી લે છે. કારણ કે, તેમના ચિત્તમાં ઘર આખી જિંદગી ઝુલતું રહ્યું હોય છે. સ્ત્રીઓનું ‘ઘરે’ અને પુરુષોનું ‘બાહિરે’ જ સ્વતંત્ર સ્વર્ગની રચના કરનારા પરિબળો છે. તેમાં નિવૃત્ત પુરુષની કસોટી એ છે કે તે કેટલા ટૂંકાગાળામાં પોતાના પ્રિય બહિર્જગતને રમતા રમતા ગૃહલોકમાં રૂપાંતરિત કરી શકે છે ! છેલ્લા ત્રીસ-ચાલીસ વરસથી ચાલતા ઘરની રિધમમાં કોઈક ધીમો સ્વર હોય તો ભળી જાય છે, પણ એકાએક ઢોલ કે નવરું નગારું વાગવા લાગે તો આખી સિમ્ફની ખંડિત થઈ જાય છે. જે સસુરજી નિવૃત્ત થાય અને પુત્રવધૂ રાજી રાજી થઈ જાય એનું નામ ઘરનો મોભી છે. પિતા નિવૃત્ત થાય એની જો પુત્ર ઉતાવળ કે પ્રતિક્ષા કરતો હોય તો એ જીવન ધન્ય છે! દીકરી અને જમાઈ પણ નિવૃત્તિમાં રહેવા આવે કે રહેવા બોલાવે તો એ આયુષ્ય પારિવારિક સંબંધોની મહેંકથી મુખરિત થાય છે. એ સિવાય તો સૌજન્યશીલ દંપતીઓ પણ મનોમન તો બોલી જ લે છે કે આ ડોસો તો રિટાયર્ડ ન થયો હોત તો સારું! તેઓ મનોમન જે બોલતા હોય છે તે છટકીને આગળ જતાં તેમના વર્તનમાં આવ્યા વિના કંઈ રહે? પરિવારનો એક પ્રમુખ

પ્રાકૃતિક સિદ્ધાંતએ છે કે મનમાં જે હોય તે બે પાંચ કે સાત વરસેય પ્રગટ થયા વિના ન રહે. ઈશ્વર બહુ દયાળુ છે, એ દરેકના મનને ભવિષ્યના વર્તનમાં પ્રતિધ્વનિત થવાની સહુને ધરાર સમાન તક આપે છે… કેટલાક લોકો નિવૃત્તિ વેળાએ સંતાનોના દામ્પત્ય જીવનમાં શિવાકાશીથી લાવેલી રંગીન દિવાસળી ચાંપે છે. તેઓ જાણતા હોતા નથી કે ચિનગારી સ્વયં પણ એક સંભવવંતી ચીજ છે.

અનુભવે એવું જોવામાં આવ્યું છે કે નિવૃત્ત લોકોમાં જેઓ ‘સમજે’ છે તેઓ પરમ સુખી છે અને જેઓ ‘સમજાવે’ છે તેઓ સખત દુઃખી છે. આપણા સમાજમાં કેટલા બધા-લાખોની સંખ્યામાં- લોકો તો હજુ એવા છે કે તેમને તો કંઈ કહેવાતું જ નથી. ડાઈનિંગ ટેબલ નજીક ખુરશી ખેંચીને બેસે ત્યારે તેમને ખ્યાલ જ હોતો નથી કે આ સંસારમાં ભોજનશાળા એક મૌન પ્રદેશ છે. આપણા દેશમાં ડાઈનિંગ ટેબલને વ્યાસપીઠ માનનારો વર્ગ બહુ મોટો છે,ત્યાંથી જ તેઓ રામાયણની શરૂઆત કરે છે, જે કંઈ નવાન્હ પારાયણ ન હોય, એ ક્યારેક વર્ષો સુધી ચાલે છે ને અદાલતના આંગણા સુધી પહોંચી જાય છે. ક્ષુલ્લક વાતોને ઈસ્યૂ બનાવવા માટે અમેરિકન સેનેટના સભ્યોએ આ પ્રકારના નિવૃત્તોના શ્રીચરણમાં રહેવું પડે.

દુનિયા ફાસ્ટ છે એવું તેમના કાનમાં ધીમેથી કહેવામાં આવ્યું છે. હવે કોઈનુંં સુખ કોઈનાથી અટકતું નથી. સુખ લેવાની જે નવી પેઢીને ટેવ પડી રહી છે તે સુખ તો લેશે જ. એમને તથા, કથા કે વ્યથામાં શાને રસ હોય? હા, જરૂરી હોય ત્યાં સેવા કરવા તત્પર રહેશે. પણ સેવામાંય જે પ્રેકિટકલનેસ- વ્યાવહારિકતા છે એ તો સ્વીકારવી જ પડશે. રાજકારણ છે, અર્થકારણ છે, ધર્મકારણ પણ છે, પરંતુ ઘરકારણ નથી. ‘કારણ’ જયાં બહાર જ ઉંબરે અટકી જાય છે તે ઘર છે. ઘરનું સૌથી મોટું જ્ઞાનસૂત્ર એ જ છે કે જે છે તે  છે, જે નથી તે નથી. આ વાત સત્યપુરુષો અને સન્નારીઓ સમજે છે. નથી સમજતા તેમનું ધ્યાન ‘છે’ તરફ તો હોતું નથી ને ‘નથી’ નો ઘોંઘાટ કાન ફાડી નાંખે છે, અલબત્ત, તેમના પોતાના જ કાન!

અદ્ભુત ને અજાયબ કહેવાય તેવા નિવૃત્ત લોકો પણ છે. તેઓ તમામ ઘટનાઓથી પોતાના આયુષ્યને નિર્લેપ રાખે છે. આનંદ કે વિષાદ, આઘાત અને આશ્ચર્ય તેમને સ્પર્શતા નથી. તેમનું મેડિકલ બિલ ઝીરો હોય છે. ઘરના સાવ નાના કામમાં પણ તેઓ ઓતપ્રોત હોય છે. તેમની પૂજા દેખાવ પૂરતી નહિ સાચી હોય છે. તેમની પાસબુક ને ચેકબુક ઘરની સંયુક્ત તિજોરીમાં હોય છે. તેમના ખિસ્સામાં કોઈ ચાવી હોતી નથી. યુવાની પસાર કરી ચૂકેલી પત્નીને ચાહવાની અદ્વિતીય કળાના તેઓ સ્વામી હોય છે. તેમની ટીકા, મજાક, છબરડા કે કટાક્ષ વેળાએ તેઓ પોતે પણ તેમની નિંદા કરનારાઓ જેટલું જ ખડખડાટ હસી શકતા હોય છે. આપણે નિવૃત્ત થઈએ એ પહેલા આવા ગૃહસ્થોની ઈન્ટરર્નશિપ કરવી જોઈએ. સમય એવો આવી જ ગયો છે કે જો દરેક ઘટનાના આંચકા સહેવાનું વ્યક્તિત્વ હશે એમણે બહુ લાંબુ જીવવાનો યોગ નથી. સ્વભાવ આયુષ્યમાં અને સુખમાં નિર્ણાયક પરિબળ છે- આરોગ્ય તો એના પછી આવે છે.

જેને પોતાના ઘરમાં નિવૃત્તિ વેળાએ શાંતિ પામતા ન આવડે એને આખા બ્રહ્માંડમાં ક્યાંય શાંતિ મળવાની સંભાવના નથી અને શાંતિ કોને મળે છે? જેઓ શાંતિ પમાડે છે એમને જ મળે છે. નિવૃત્ત લોકો કંઈ પણ ન કરે, કદાચ પોતાનો સ્વભાવ સુધારી ન શકે તો પણ વાંધો નથી, તેમણે પોતાના તરફથી પરિજનોને શાંતિ પમાડવી જોઈએ. જેમને કલા, સાહિત્ય, સંગીતનો કે કોઈ પણ જીવનભર ઉછેરેલો શોખ કેળવાયેલો હોતો નથી તેમને માટે પૂર્ણ નિવૃત્તિ, પૂર્ણ અભિશાપ બની જાય છે.

નિવૃત્તિ કદી શ્વાસ ગણવાની આપખેલત રમત ન બની જાય એની સાવધાની રાખવી પડે, આ સાવધાની નિવૃત્તિના દસ વરસ અગાઉથી શરૂ કરવાની હોય છે.

રિમાર્કઃ

નજર સામે એક બગીચો અને બેસવા માટે એક બાંકડો જો તમે પૂરતા માનો છો તો તમને ‘ઘ’ અને ‘ર’ એવા બે અક્ષરોના યુગ્મ સ્વરૂપમાં રહેલા આનંદધોધનો પરિચય જ નથી.

દિલિપ ભટ્ટ

You might also like