ઓલા-ઉબેરના ડ્રાઈવરની આજથી બે મુદતી હડતાળ

મુંબઈ, સોમવાર
આવકમાં ઘટાડો થવાના વિરોધમાં કેબ સર્વિસ ઓલા-ઉબેરના ડ્રાઈવર આજથી હડતાળ પર ઊતરી ગયા છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેના કેબ ડ્રાઈવર આ હડતાળમાં જોડાયા છે. મેટ્રો સિટીઝમાં મોટા ભાગના લોકો આવવા-જવા માટે ઓલા-ઉબેર કંપનીની કેબનો ઉપયોગ કરે છે, પરંતુ હવે આજે તેમની હડતાળ બાદ લોકોને ભારે મુશ્કેલી અને હાડમારીનો સામનો કરી રહ્યો છે.

ઓલા-ઉબેરના ડ્રાઇવરની હડતાળના કારણે આ બંને કંપનીઓની તમામ સેવાઓ પર અસર પડશે. સામાન્ય લોકોને ઓફિસ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને અન્ય જરૂરી કામકાજ માટે આવવા-જવામાં મુશ્કેલી પડશે. કેબ ચાલકોનું કહેવું છે કે તેઓ સોમવારે પોતાનાં ડિવાઈસ બંધ રાખશે. આ દરમિયાન માત્ર કંપની દ્વારા જ ચલાવવામાં આવતી કેબ જ લોકોને ઉપલબ્ધ બનશે, જેમની સંખ્યા ઘણી ઓછી છે.

દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકો ઓલા-ઉબેર નહીં ચાલવાથી મેટ્રો, ડીટીસીની બસ, બાઈક, કાર, ઓટો જેવી વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે તો મુંબઈમાં રહેતા લોકો ટેક્સી, ઓટો, મુંબઈ લોકલ, કાર પુલિંગ જેવા વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.

એ જ રીતે બેંગલુરુ, પુણે અને ચેન્નઈના લોકો પણ પોતાનાં વાહનની સાથે-સાથે લોકલ પરિવહનનો પણ ઉપયોગ કરી શકે છે. ઓલા દેશનાં ૧૧૦ શહેરમાં પોતાની સર્વિસ આપે છે, જ્યારે ઉબેર ૨૫ શહેરમાં સર્વિસ આપે છે. ઓલા દ્વારા રોજ ૨૦ લાખ લોકો પ્રવાસ કરે છે અને ઉબેરની કેબમાં રોજ ૧૦ લાખ લોકો પ્રવાસ કરે છે.

You might also like