કડી-સુરેન્દ્રનગર રોડ પર મોડી રાતે તેલ ભરેલી ટ્રક પલટી

અમદાવાદ: કડીથી તેલના ડબા ભરી રાજકોટ જવા નીકળેલી ટ્રક રાત્રીના સમયે સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર પલટી ખાઈ જતાં રોડ પર તેલની રેલમછેલ થઈ હતી અને લોકોએ તેલની રીતસર લૂંટ ચલાવી હતી.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે કડીથી તેલનો જથ્થો ભરી એક ટ્રેક સાંજના સુમારે રાજકોટ તરફ જવા રવાના થઈ હતી. દરમિયાનમાં સુરેન્દ્રનગર બાયપાસ રોડ પાસે ટ્રકની લાઈટ અચાનક જ બંધ થઈ ગઈ હતી, પરંતુ ડ્રાઈવરે ટ્રકને ઊભી નહીં રાખી અાગળ હંકારતાં ટ્રક રોડની બાજુમાં અાવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાતાં જ ટ્રકમાં ભરેલા તેલના ડબા રોડ પર વેરણછેરણ થઈ ગયા હતા અને કેટલાક ડબાઓ ફૂટી જતાં રોડ પર તેલની રેલમછેલ થઈ હતી.

તેલ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હોવાની જાણ થતાં જ અાજુબાજુમાં રહેતા લોકોએ વાસણ સાથે રોડ પર અાવી જઈ તેલની લૂંટ ચલાવી હતી. રોડ પર તેલના રેલા ફરી વળતાં અકસ્માત સર્જાવવાનો ભય ઊભો થયો હતો. અાથી વાહનચાલકો પણ બંને તરફ રોકાઈ જતાં વાહનોની કતાર લાગી ગઈ હતી. અા ઘટનામાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

You might also like