ઘણી વાર આપણી વાણી જ આપણને દગો આપતી હોય છે

કાંઈ પણ કહી દેવું એટલું મહત્ત્વપૂર્ણ નથી, જેવું કંઈ પણ ન કહેવું. બોલવું જો કળા છે તો મૌન તો સર્વશ્રેષ્ઠ કળા છે. ભારતમાં અનેક ઋષિ, મુનિ, સંત થઈ ગયા. જેમાંથી અસંખ્ય લોકોએ મૌન પાળીને સમગ્ર જીવન વ્યતિત કર્યું અનેક સાધક વર્ષ, બે વર્ષ, ૧પ વર્ષ કે તેનાથી વધુ સમય સુધી મૌન રહેવાની પ્રતિજ્ઞા કરતા હોય છે. મૌનનું રહસ્ય એટલું ઊંડું છે કે તેેને મૌન ધારણ કરનારો જ સમજી શકે છે. કહેવાનું ખૂબ થોડું હોય છે. જ્યારે ન કહેવાનું ઘણું વધારે હોય છે.

જો બોલીને વાતો થઈ શકતી હોય તો ચૂપ રહીને તેનાથી પણ વધુ વાતો થઈ શકે છે. આંખો વાતો કરે છે. મૌનની ભાષા શબ્દોની ભાષાથી કોઈ રીતે નબળી હોતી નથી, બસ તેને સમજનાર જોઈએ. જે પ્રકારે શબ્દોની ભાષાનું શાસ્ત્ર હોય છે, એ જ પ્રકારે મૌનનું પણ ભાષા વિજ્ઞાન હોય છે. તે કોઈ શાસ્ત્રમાં લખાયેલું હોતું નથી. મૌનનું ભાષા વિજ્ઞાન પણ મૌન જ હોય છે. તેને સમજી શકાય છે પણ સમજાવી શકાતું નથી. મૌન અનંત ભાષા છે. જે પરમ સત્ય છે, તે કહી શકાતું નથી.

મૌનનું આદ્યાત્મિક મહત્ત્વ તો છે જ પણ તેનું વ્યવહારિક મહત્ત્વ પણ કંઈ ઓછું નથી. સાધારણ રીતે માનને કાયરતાનું પ્રતીક માની લેવામાં આવે છે. લોકો વિચારે છે કે જેઓ ડરે છે તેઓ મૌન રહે છે અને જે લોકો નથી ડરતા તેઓ બેધડક બોલે છે.મૌન અનેક પ્રકારનાં હોઈ શકે છે. એક વિચારકના મતે ભયથી ઉત્પન્ન મૌન પશુતા અને સંયમથી ઉત્પન્ન થયેલ મૌન સાધુતા છે. સામાન્ય રીતે મૌન સારું છે તે શાંત મન માટે ઈચ્છનીય છે પણ ચારે તરફ શોર હોય તો આપણે બોલવું જોઈએ. વિવેક જાળવવો આવશ્યક છે કે ખરેખર કયાં મૌન જાળવવું જોઈએ અને કયાં બોલવું જોઈએ? આપણી વાણી ઘણી વખત આપણને દગો આપે છે.

આપણે કોઈકને કાંઈ બોલી નાખીએ છીએ પણ પછી આપણે પસ્તાવો કરીએ છીએ તેમજ નુકસાન પણ વેઠતા હોઈએ છીએ પણ મૌન આપણા માટે એવો મિત્ર છે કે જે કયારેય દગો નહીં આપે. જોન બ્રોયલે કહ્યું છે કે મૌન રહો અને પોતાની જીદ ના કરો.એક સંતે કહ્યું છે કે સલાહ આપવામાં આવે, આપ પ્રશંસાના સમયે, નિંદા વખતે તથા ગુસ્સો આવે ત્યારે જો મૌન જાળવી રાખશો તો જીવન અવશ્ય સફળ થઈ જશે. મૌન કોઈ સાધારણ ચીજ નથી અને એક દરેક મનુષ્ય માટે આસાન પણ નથી. મૌનનો અર્થ કર્મનો અભાવ, જડતા, અકર્મણ્યતા કે આળસ નથી. તે વિચાર કે તર્ક-વિતર્કથી દૂર રહેવાની કોઈ પ્રક્રિયા નથી. બોલનારાનો અર્થ નક્કી થઈ જાય છે અને મૌન રહેતા લોકોના હજાર અર્થ થઈ શકે છે, પરંતુ એટલું તો નક્કી જ છે કે વગર કહીને જે કહી શકાય છે તે કંઈ પણ કહેવા કરતાં એટલું મહાન હોય છે કે તેના વિશે કંઈ કહેવા જેવું નથી.

You might also like