હવે સામાન્ય પ્રજાએ સરકારી સેવા પર સર્વિસ ટેક્સ ચૂકવવો નહીં પડે

નવી દિલ્હી: નિયમોમાં ફેરફાર કરતા સરકારી સેવાઓ પર ચૂકવવા પાત્ર સર્વિસ ટેક્સના દાયરામાંથી સરકારે સામાન્ય લોકોને બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે. આમ હવે સામાન્ય લોકોએ સરકારી સેવાઓ માટે સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જોકે બિઝનેસ સંસ્થાઓને સરકાર તરફથી મળતી વિવિધ સેવાઓ પર સર્વિસ ટેક્સનો નિયમ ચાલુ રખાતા તેમને સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ સામાન્ય લોકોને હવે પાસપોર્ટ, વિઝા, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવી સરકારી સેવાઓ પર સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

નાણાં મંત્રાલયે આ સંદર્ભમાં ગેઝેટ ડેકલેરેશન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે જે તમામ સેવાઓ સરકારી વિભાગો અથવા સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેના પર લાગતા સર્વિસ ટેક્સના દાયરામાંથી સામાન્ય લોકોને બાકાત રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર અથવા સરકાર તરફથી આપવામાં આવતી એ સેવાઓ પર પણ ટેક્સ માન્ય રહેશે નહીં. જેમાં સેવાઓના ચાર્જની રકમ રૂ. ૫૦૦૦થી ઓછી હોય. આ અગાઉ સરકારી સેવાઓના સર્વિસ ટેક્સના દાયરામાં સામાન્ય લોકોને લાવવાના વિચાર પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ સરકારે સામાન્ય પ્રજાનાં હિતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની સરકારી સેવાઓને સર્વિસ ટેક્સના દાયરામાંથી મુક્ત રાખવાનો નિર્ણય કર્યો છે.

૧૪ એપ્રિલે સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડીને આ નિર્ણયનો તત્કાળ અસરથી અમલ પણ શરૂ કરી દીધો છે. જે સેવાઓ પર સામાન્ય પ્રજાને રાહત આપવામાં આવી છે તેમાં જન્મ અને મૃત્યુ નોંધણીના દાખલાનો પણ સમાવેશ થાય છે.

You might also like